તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
પક્ષપલટાના ડરે કોંગ્રેસના ઉમેદવારોની કિલ્લાબંધી:અનેક શહેરોમાં કોંગ્રેસી મૂરતિયાઓને ‘અજ્ઞાતવાસ’માં મોકલાયા
કલોલ, રાજકોટ, મોરબી , નડિયાદ, પોરબંદર અને સુરતના કોંગ્રેસના ઉમેદવારોને અલગ-અલગ અજ્ઞાત સ્થળોએ આ ઉમેદવારોને રાખવામાં આવ્યા

ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પક્ષે પોતાના ઉમેદવારોને સાચવવા માટે કવાયત તેજ કરી દીધી છે. કલોલ અને રાજકોટમાં ઉમેદવારો તૂટવાના અથવા ફોર્મ પરત ખેંચવાના ડરથી કોંગ્રેસે મોટી સંખ્યામાં નેતાઓને અજ્ઞાત સ્થળે મોકલી દીધા છે. સત્તાધારી પક્ષના દબાણ અને ધમકીના આક્ષેપો વચ્ચે વિપક્ષ હવે સુરક્ષાના ભાગરૂપે આ વ્યૂહરચના અપનાવી રહ્યો છે.
ગાંધીનગર જિલ્લાના કલોલમાં પાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય ગણિત બદલાતું જોવા મળી રહ્યું છે. કલોલમાં ભાજપની જોરદાર ફિલ્ડિંગને કારણે 4 બેઠકો પર કેસરીયો લહેરાયો છે અને આ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. વોર્ડ 8, 7, 5 અને 10 માં ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે, જેમાં ધર્મેન્દ્ર પટેલ, ભગવતીબેન, ફતેસિંહ ઠાકોર અને જયશ્રીબેન પટેલનો સમાવેશ થાય છે. આ સ્થિતિને જોતા બાકીની બેઠકો પર પોતાના ઉમેદવારોને બચાવવા માટે કોંગ્રેસે 20 થી વધુ ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો નિર્ણય લીધો છે.રા
રાજકોટ મહાનગરપાલિકામાં પણ સ્થિતિ સ્ફોટક બની છે, જ્યાં કોંગ્રેસે 45 થી વધુ ઉમેદવારોને શહેરની બહાર મોકલી દીધા છે. ખાસ કરીને પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા નવા ચહેરાઓને કોઈના સંપર્કમાં ન આવવા દેવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. મહિલા કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે શહેર કોંગ્રેસ પ્રમુખને 4 થી 5 ઉમેદવારોને ધમકીભર્યા ફોન આવ્યા હોવાની જાણકારી મળી હતી. આ ભયને દૂર કરવા માટે 12 જેટલા મુખ્ય કોર્પોરેટરો સહિતના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે રખાયા છે, જેમને આવતીકાલે બપોર બાદ જ પરત લાવવામાં આવશે.
રાજકોટના વિવિધ વોર્ડના સક્રિય નેતાઓ અત્યારે કોંગ્રેસની દેખરેખ હેઠળ છે. વોર્ડ નંબર 2 માંથી સલીમ કારીયાણિયા અને ભાવેશ વાઘેલા, જ્યારે વોર્ડ નંબર 7 માંથી જીગ્નેશ વાગડિયા અને રણજીત પરમારને ખસેડવામાં આવ્યા છે. વોર્ડ નંબર 8 ના મેહુલ મકવાણા અને વોર્ડ નંબર 9 ના ગિરીશ ધરસંડિયા તથા જલ્પેશ વાઘેલા પણ હાલ અજ્ઞાત સ્થળે છે. કોંગ્રેસને આશંકાછે કે જો આ ઉમેદવારો સ્થાનિક સ્તરે રહેશે તો રાજકીય 'સેટિંગ' કરીને તેમના ફોર્મ પરત ખેંચાવા માટે દબાણ થઈ શકે છે.
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. અન્ય પક્ષો દ્વારા તોડજોડનું રાજકારણ ખેલવામાં આવે તેવી ભીતિ વચ્ચે પાલિકાના 04 અને પંચાયતના 03 ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 1, 11, 12 અને 13 ના ઉમેદવારો સહિત માળીયા (Maliya) પંચાયતના ઉમેદવારોને પણ અજ્ઞાત સ્થળે મોકલી દેવાતા અનેક ચર્ચાઓ જાગી છે.
મળતી માહિતી મુજબ, ચૂંટણી તંત્ર દ્વારા ફોર્મ ખેંચવાની અંતિમ પ્રક્રિયા થયા બાદ જ આ તમામ ઉમેદવારોને પરત લાવવામાં આવશે. વિપક્ષો દ્વારા ઉમેદવારોને લલચાવવા અથવા દબાણ કરીને ફોર્મ પરત ખેંચાવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ વ્યૂહરચના અપનાવવામાં આવી છે. ગુજરાત રાજકારણમાં આ 'સેફ પેસેજ' ની હિલચાલથી આગામી ચૂંટણીના પરિણામો પર મોટી અસર જોવા મળી શકે છે.
નડિયાદમાં પણ કોંગ્રેસ પક્ષે તોડજોડ અને સામ-દામ-દંડ-ભેદની નીતિથી બચવા માટે પોતાના 50 માંથી 25 જેટલા ઉમેદવારોને રાતોરાત અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે. હાઈકમાન્ડના સીધા આદેશ બાદ સરોજબેન મેકવાન, કલ્પેશ પ્રજાપતિ, અસ્મિતાબેન પ્રજાપતિ, રોબિન્સ મેકવાન, મનુભાઈ લોહાણા અને ઊર્મિલાબેન મેઘા સહિતના અડધોઅડધ ઉમેદવારોને શહેરની બહાર ગુપ્ત લોકેશન પર મોકલી દેવામાં આવ્યા છે.
વિરોધી પક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવા માટે દબાણ કરાય તેવી પ્રબળ આશંકા વચ્ચે નડિયાદ કોંગ્રેસે એલર્ટ મોડ પર આવીને આ માસ્ટરસ્ટ્રોક માર્યો છે, જેમાં હિતેશ મકવાણા, દીનાબેન રાજપુત, બિપીન પરમાર તેમજ નયનાબેન સોઢા, કામિનીબેન કંસારા અને અલ્પાબેન લખમાણી જેવા મજબૂત દાવેદારોને અંડરગ્રાઉન્ડ કરીને ચૂંટણી જંગમાં પોતાની પકડ મજબૂત રાખવા મોટી રણનીતિ ઘડી છે.
આ સાથે જ પોરબંદર મહાનગરપાલિકાના પણ 32 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવાયા હોવાની માહિતી મળી છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકસભામાં નિલેશ કુંભાણી પ્રકરણમાં જે રીતે કોંગ્રેસનો ગઢ ધરાશાયી થયો હતો, તેમાંથી બોધપાઠ લઈને પાર્ટીએ આ વખતે પોતાના 40 જેટલા મજબૂત ઉમેદવારોને અજ્ઞાત સ્થળો પર ખસેડી દીધા છે. .
કોંગ્રેસે જે બેઠકો પર જીત નિશ્ચિત માની છે, ત્યાંના ઉમેદવારો માટે ખાસ 'સેફ હાઉસ' તૈયાર કરવામાં આવ્યા છે. શહેરની બહાર આવેલા અજ્ઞાત અલગ-અલગ અજ્ઞાત સ્થળોએ આ ઉમેદવારોને રાખવામાં આવ્યા છે. આ સ્થળોની જાણકારી માત્ર ગણ્યાગાંઠ્યા પ્રદેશ નેતાઓને જ છે. ઉમેદવારોને બહારની દુનિયાથી સંપર્ક કાપી નાખવા માટે મોબાઈલ ફોન પણ જમા કરાવી દેવામાં આવ્યા છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
