તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
અરવલ્લીમાં મંત્રી પી.સી. બરંડાના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું : ભિલોડા અને શામળાજી તાલુકા પંચાયત પર પંજાનું વર્ચસ્વ
જિલ્લા પંચાયતની ૧૨માંથી ૮ બેઠકો જીતી કોંગ્રેસે ભાજપને પછડાટ આપી : શામળાજીમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું : મેઘરજમાં ત્રિશંકુ જેવી સ્થિતિ

મોડાસા: અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ખાસ કરીને ભિલોડા વિધાનસભા ક્ષેત્રમાં મંત્રી પી.સી. બરંડાના પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અહીં કોંગ્રેસે આક્રમક દેખાવ કરતા ભિલોડા અને શામળાજી બંને તાલુકા પંચાયતોમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો હાથમાં લીધા છે.
જિલ્લા પંચાયતની કુલ ૧૨ બેઠકો માટે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ૮ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે સત્તાધારી ભાજપના ફાળે માત્ર ૪ બેઠકો આવી છે. મંત્રીના પોતાના ગઢમાં જ ભાજપનું ધોવાણ થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
તાલુકા પંચાયત સ્તરે પણ સ્થિતિ કોંગ્રેસની તરફેણમાં રહી છે. ભિલોડા તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાંથી કોંગ્રેસે ૧૩ બેઠકો મેળવીને એકચક્રી શાસન સ્થાપ્યું છે, જ્યારે ભાજપને ૭ બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. તેવી જ રીતે, શામળાજી તાલુકા પંચાયતની ૧૬ બેઠકોમાં ૯ બેઠકો કોંગ્રેસને અને ૬ ભાજપને મળી છે. નોંધનીય છે કે અહીં આમ આદમી પાર્ટીએ પણ ૧ બેઠક જીતીને પોતાનું ખાતું ખોલાવ્યું છે.
મેઘરજ તાલુકા પંચાયતની ૨૨ બેઠકોના પરિણામોમાં ભાજપ ૧૦ બેઠકો સાથે આગળ છે, જ્યારે કોંગ્રેસે ૮ બેઠકો પર જીત મેળવી છે. અહીં ૧ બેઠક અપક્ષના ફાળે ગઈ છે અને બાકી રહેલી ૩ બેઠકોના પરિણામો પર સૌની નજર ટકેલી છે. એકંદરે ભિલોડા પંથકમાં મંત્રીની હાજરી હોવા છતાં કોંગ્રેસના 'પંજા' એ ભાજપના કેસરીયાને મ્હાત આપી છે.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
