તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
કોંગ્રેસે વર્ષો સુધી જનતાને ગરીબી અને અશિક્ષામાં રાખી, જયારે ભાજપા સરકારે આર્થિક ઉત્થાન, આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપ્યું :જગદીશભાઈ વિશ્વકર્મા
બનાસ ડેરીનું ₹22,000 કરોડનું ટર્નઓવર અને વિદેશોમાં નિકાસ થતી ઉત્પાદનોનો શ્રેય પશુપાલક માતાઓ અને બહેનોને ફાળે જાય છે :બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અભિયાન અન્વયે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધિત કરી હતી.
વિશાળ જનમેદનીને સંબોધતા પ્રદેશ અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને જ્ઞાતિ, જાતિ અને ધર્મની રાજનીતિમાંથી મુક્ત કરીને વિકાસ આધારિત રાજકારણની શરૂઆત કરી છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસલક્ષી નીતિઓને બિરદાવતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગ્રામિણ વિકાસ પર ભાર મૂકી નાગરિકોને મુખ્ય પ્રવાહમાં જોડવા અનેક કાર્યો કર્યા જેના સકારાત્મક પરિણામ આપણને મળ્યા છે. તેમણે કહ્યું કે મોદીજીએ દરેક ખેતરમાં પાણી, દરેક હાથને કામનો મંત્ર આપ્યો હતો.તેમણે ઉમેર્યું હતું કે આજે આ સંકલ્પોને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસે વર્ષો સુધી નાગરિકોને ગરીબી અને અશિક્ષામાં જ રાખવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભાજપા સરકારે નાગરિકોના આર્થિક ઉત્થાન, શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપી, તે મુજબની નીતિઓ બનાવી તેને ધરાતલ ઉપર ઉતારવાનું કાર્ય કર્યું છે અને જનકલ્યાણને કેન્દ્રમાં રાખીને વ્યાપક પરિવર્તન લાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દરેક નાગરિકને બેંકિંગ વ્યવસ્થાથી જોડવા માટે જન ધન યોજના હેઠળ ખાતા ખોલવામાં આવ્યા, સ્વચ્છતા માટે શૌચાલયોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી, તેમજ અને અન્ન સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓ લોકો સુધી સુલભ બનાવવામાં આવી છે.
વિશ્વકર્માજીએ પોતાના સંબોધનમાં કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો વિસ્તૃત ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ભાજપાની સરકાર છેવાડાના માનવી માટે કાર્ય કરવા કટિબદ્ધ છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે કમોસમી વરસાદ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સીધી સહાય અને ટેકાના ભાવની ખરીદી સાથે રૂ.25,000 કરોડનું ઐતિહાસિક પેકેજ આપી સંવેદનશીલ નિર્ણય લીધો છે. ભાજપા સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહી છે અને આગળ પણ ઊભી રહેશે.
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજે બનાસ ડેરી ₹22,000 કરોડનું ટર્ન ઓવર કરે છે તેનો તમામ શ્રેય સૌ માતા બહેનોને જાય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે બનાસ અને અમુલના ઉત્પાદનો વિદેશોમાં પણ એક્સપોર્ટ થાય છે. ધાનેરા વિસ્તારના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતાં જગદીશભાઈએ જણાવ્યું હતું કે 57 ગામોમાં પાણી પહોંચાડવા સહિતના કામો માટે અંદાજિત ₹1,500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.વધુમાં વધુમાં જણાવ્યું હતું કે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ધાનેરા કોલેજને મંજૂરી, સરકારી લાઇબ્રેરી તથા થાવર ઝેરડા હાઇવે સહિતના અંદાજે ₹3,000 કરોડના વિકાસ પ્રકલ્પો ધાનેરાને મળ્યા છે. તેમણે સૌને ભાજપા તરફી મતદાન કરી ભાજપાના સૌ ઉમેદવારોને વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા, પ્રભારી ધવલભાઈ દવે, ધારાસભ્ય, સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
