News of Monday, 16th November 2026
કોંગ્રેસ દ્વારા ‘વાસ્તવિક સ્વચ્છતા સર્વેક્ષણ' QR કોડ
સરકારના દાવાઓમાં પોલઃ એવોર્ડની ઉજવણી કરતા પહેલા વાસ્તવિકતાનો હિસાબ આપો

અમદાવાદ તા.૧૬: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૫-૨૬નાં પરિણામો જાહેર થયાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અને સુરત સહિતનાં શહેરોની સિદ્ધિઓનાં ઢોલ-નગારાં વગાડવામાં આવી રહ્યાં છે. સત્તાધારી પક્ષના નેતાઓ આ પરિણામોને પોતાની સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે એવોર્ડ અને રેન્કિંગના આંકડાઓની પાછળ શહેરોની વાસ્તવિક સ્થિતિ કેટલી સ્વચ્છ છે? શું સામાન્ય નાગરિકને ખરેખર સ્વચ્છ હવા, સ્વચ્છ રસ્તા, યોગ્ય કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છ જાહેર શૌચાલયોની સુવિધા મળી રહી છે? કે પછી સ્વચ્છતાના નામે કાગળ પર આંકડાઓની રમત અને પ્રચારનું મોટું તંત્ર ઉભું કરવામાં આવ્યું છે?
ડો.મનીષ દોશી, હેમાંગ રાવલ, હિરેન બેન્કર, પાર્થિવરાજ કઠવાડિયા વગેરેએ જણાવેલ કે, જો અમદાવાદ અને સુરત જેવા શહેરોને સ્વચ્છતાના ક્ષેત્રમાં દેશનાં અગ્રણી શહેરો તરીકે રજૂ કરવામાં આવતાં હોય, તો સામાન્ય નાગરિકનો સ્વાભાવિક પ્રશ્ન છે કે આ સ્વચ્છતા શહેરના દરેક વિસ્તારમાં કેમ દેખાતી નથી? ખરેખર શહેર સ્વચ્છ હોય તો વીવીઆઈપી વિસ્તારો જ નહીં, પરંતુ શહેરના દરેક વોર્ડ, દરેક સોસાયટી અને દરેક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ સ્વચ્છતા દેખાવી જોઈએ. અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઇટની આસપાસના વિસ્તારોની સ્થિતિ આજે પણ ગંભીર ચિંતાનો વિષય છે.
સ્વચ્છતાનું મૂલ્યાંકન માત્ર રસ્તા પરનો કચરો ઉઠાવવામાં આવ્યો કે નહીં તેના આધારે થઈ શકે નહીં. હવાની ગુણવત્તા, ડમ્પિંગ સાઇટની આસપાસ રહેતા નાગરિકોનું સ્વાસ્થ્ય, ગંદા પાણીનો નિકાલ, ગટર વ્યવસ્થા અને કચરાના વૈજ્ઞાનિક નિકાલને પણ એટલું જ મહત્ત્વ મળવું જોઈએ. શહેરના એક છેડે એવોર્ડની ઉજવણી થતી હોય અને બીજા છેડે નાગરિકો દુર્ગંધ અને પ્રદૂષણથી પરેશાન હોય તો આ બે વાસ્તવિકતાઓ વચ્ચેનો તફાવત સમજાવવો સરકારની જવાબદારી છે.
સ્વચ્છતા સર્વેક્ષણની વિશ્વસનીયતા અંગે સૌથી મહત્ત્વનો સવાલ તેની માહિતી એકત્ર કરવાની અને તેની ચકાસણી કરવાની પદ્ધતિનો છે. નાગરિકોના પ્રતિસાદને સર્વેક્ષણમાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં ખરેખર કેટલા નાગરિકોએ પ્રતિસાદ આપ્યો?
કોંગ્રેસના આગેવાનોએ જણાવેલ કે, શાસકો દાવો કરે છે કે ઘરે-ઘરેથી ભીનો અને સૂકો કચરો અલગ-અલગ લેવામાં આવે છે. પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકોનો અનુભવ અલગ છે. મ્યુનિસિપાલિટીની કચરાની ગાડીઓમાં જ ભીનો અને સૂકો કચરો એક જ જગ્યાએ ભેગો કરવામાં આવતો હોવાની ફરિયાદો છે. જો નાગરિકો ઘરમાં કચરાનું વર્ગીકરણ કરે અને કચરો લઈ જતી વખતે તંત્ર જ તેને એકસાથે ભેળવી દે, તો પછી આ વ્યવસ્થાનો અર્થ શું? કચરાનું વર્ગીકરણ માત્ર ઘરેથી કચરો લેતી વખતે નહીં, પરંતુ તેના પરિવહન, પ્રોસેસિંગ અને અંતિમ નિકાલ સુધી જળવાઈ રહેવું જોઈએ.
સ્વચ્છતા સર્વેક્ષણની વિશ્વસનીયતા અને શહેરોની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે ગુજરાત સરકાર તથા અમદાવાદ, સુરત અને વડોદરા મહાનગરપાલિકાઓએ પુરાંત વિગતો જાહેર કરવી જોઈએ.
સ્વચ્છતા સર્વેક્ષણનો હેતુ શહેરોમાં સુધારો લાવવાનો હોવો જોઈએ, સરકારના પ્રચારનું સાધન બનવાનો નહીં. સ્વચ્છતા માત્ર કાગળ પરના આંકડા, સુંદર ફોટોગ્રાફ્સ કે એવોર્ડ સમારંભોથી માપી શકાય નહીં. તે સામાન્ય નાગરિકને મળતી શુદ્ધ હવા, સ્વચ્છ પીવાનું પાણી, ગંદકીથી મુક્ત રસ્તાઓ, યોગ્ય ગટર વ્યવસ્થા, કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને ઉપયોગ કરી શકાય તેવાં જાહેર શૌચાલયોથી માપવી જોઈએ. કોંગ્રેસ પક્ષ સફાઈ કર્મચારીઓની મહેનતનું સન્માન કરે છે અને શહેરોને સ્વચ્છ બનાવવાના દરેક સારા પ્રયાસને આવકારે છે. પરંતુ એવોર્ડની ઉજવણીની સાથે વાસ્તવિક સ્થિતિનો હિસાબ આપવાની પણ સરકારની જવાબદારી છે. શહેરની સ્વચ્છતાના દાવા કરતા પહેલાં દરેક વોર્ડની સ્થિતિ, દરેક કોન્ટ્રાક્ટનો હિસાબ અને દરેક નાગરિકની ફરિયાદનો જવાબ આપવો પડશે. તેમ કોંગ્રેસનું કહેવુ છે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. હિરેન બેન્કર, ડૉ. પાર્થિવરાજ કઠવાડિયા, ડૉ. અમિત નાયક, શ્રી નિશાત રાવલ, શ્રી નાગજીભાઈ દેસાઈ તથા મીડિયા પેનલિસ્ટ શ્રી મુકેશ પંચાલ, શ્રી રમેશ વોરાની ઉપસ્થિતિમાં ‘‘વાસ્તવિક સ્વચ્છતા સર્વેક્ષણ'' કેમ્પેન નો કયુ.આર કોડ લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમ હેમાંગ મહીપતરામ રાવલ જણાવે છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
