<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

સ્થાનિક ચૂંટણીમાં સુપડા સાફ થતાં કોંગ્રેસે શિસ્તભંગનું હથિયાર ઉગામ્યું:ગાંધીનગરમાં 20 કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને કોંગ્રેસના માન્ય ઉમેદવારોને નુકસાન પહોંચાડ્યું: સસ્પેન્ડ થયેલા સભ્યોમાં દહેગામ, માણસા અને કલોલ વિસ્તારના અગ્રણીઓનો સમાવેશ

અમદાવાદ :સ્થાનિક ચૂંટણીમાં સુપડા સાફ થતાં કોંગ્રેસે શિસ્તભંગનું હથિયાર ઉગામ્યું છે. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 20 કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાના આદેશ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે. 

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં કોંગ્રેસના દેખાવ બાદ હવે પક્ષમાં આંતરકલહ સપાટી પર આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ભાજપના ભવ્ય વિજય અને કોંગ્રેસના રકાસ બાદ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ આકરા પગલાં ભરવાની શરૂઆત કરી છે. ચૂંટણીમાં હાર માટે જવાબદારી સ્વીકારવાને બદલે પક્ષે હવે કાર્યકરો પર દોષનો ટોપલો ઢોળવાનું શરૂ કર્યું હોય તેમ જણાય છે.  

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી દ્વારા એક સત્તાવાર પત્ર જાહેર કરીને 20 જેટલાં પદાધિકારીઓ અને કાર્યકરોને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ સભ્યોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે અને કોંગ્રેસના માન્ય ઉમેદવારોને નુકસાન પહોંચાડ્યું છે. સસ્પેન્ડ થયેલા સભ્યોમાં દહેગામ, માણસા અને કલોલ વિસ્તારના અગ્રણીઓનો સમાવેશ થાય છે.

  

(12:36 AM IST)