<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

"કોંગ્રેસ 100 રૂપિયા લઈને મત માંગવા આવશે, પંજો ના આવે એટલા માટે માં શબરીના સોગંધ ખાજો": ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી

ડાંગમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ: આહવા ખાતે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ બાદ ડેપ્યુટી સીએમના પ્રહાર, “આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતી કોંગ્રેસથી સાવધાન રહો” કહીને મતદારોને કર્યું આહ્વાન

આહવા, તા.૧૮ : ડાંગ જિલ્લામાં ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આહવા ખાતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ જનસભાને સંબોધતા તેમણે કોંગ્રેસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

 

ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું કે “કોંગ્રેસ 100 રૂપિયા લઈને મત માંગવા આવશે, પંજો ના આવે એટલા માટે માં શબરીના સોગંધ ખાજો.” તેમણે આદિવાસી સમાજને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ હંમેશા ચૂંટણી સમયે પ્રલોભનો આપીને અને ખોટા વાયદા કરીને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. આવી પાર્ટીઓથી સાવધાન રહેવાની જરૂર છે.

 

તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ સરકારે આદિવાસી સમાજના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ભગવાન બિરસા મુંડાના આદર્શોને વરેલી ભાજપ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને માર્ગ સુવિધા સહિતના તમામ ક્ષેત્રોમાં ડાંગ જિલ્લામાં અભૂતપૂર્વ કામ થયું છે.

 

ડેપ્યુટી સીએમએ મતદારોને અપીલ કરતા કહ્યું કે કોંગ્રેસના ખોટા વાયદાઓમાં ન ફસાતા અને ભાજપને જંગી મતદાન કરીને ફરી એકવાર વિકાસની રાજનીતિને વિજયી બનાવો. તેમના આ નિવેદન બાદ જિલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે અને કોંગ્રેસના નેતાઓ સામે પડકાર ઉભો થયો છે.

(4:37 PM IST)