<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી માટે કોંગ્રેસનું વિઝન ડોક્‍યુમેન્‍ટઃ મહિલાઓને મફત બસ મુસાફરી અને યુવાનોને કાયમી નોકરીના વાયદા

વર્તમાન શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે અને જનતા પાસેથી ઊંચો ટેક્‍સ વસૂલવા છતાં પાયાની સુવિધાઓનો અભાવ છે : અમિત ચાવડાએ, હવે તો સમજો લઈ આવો પંજો, થીમ સોંગ સાથે લોન્‍ચ કર્યું: સોશિયલ મીડિયા કેમ્‍પેઈન ભ્રષ્ટાચાર મુક્‍ત અને પારદર્શક શાસન આપવા પ્રતિબદ્ધતા

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી  અમિત ચાવડાએ આગામી સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને શહેરી વિકાસનું મોટું માળખું રજૂ કર્યું છે. જેમાં મહિલાઓ માટે નિઃશુલ્‍ક પરિવહન, કોન્‍ટ્રાક્‍ટ પ્રથાની નાબૂદી, અને ભ્રષ્ટાચાર મુક્‍ત વહીવટ માટે ડિજિટલ ટ્રેકિંગ જેવી મહત્‍વની જાહેરાતો કરવામાં આવી છે.

પક્ષે જનતા સુધી પહોંચવા માટે નવું ચૂંટણી ગીત અને ડિજિટલ અભિયાન પણ શરૂ કર્યું છે.

અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધીને સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓ માટે પક્ષનું વિઝન ડોક્‍યુમેન્‍ટ જાહેર કર્યું છે.

આ તકે તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે, વર્તમાન શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે અને જનતા પાસેથી ઊંચો ટેક્‍સ વસૂલવા છતાં પાયાની સુવિધાઓનો અભાવ છે.

કોંગ્રેસના વિઝન ડોક્‍યુમેન્‍ટની મુખ્‍ય બાબતોઃ

મહિલા અને યુવા કલ્‍યાણઃ શહેરોમાં મહિલાઓ માટે સ્‍થાનિક બસ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્‍ક કરવામાં આવશે. યુવાનોના શોષણ સમાન કોન્‍ટ્રાક્‍ટ પદ્ધતિ નાબૂદ કરી કાયમી નોકરીઓ આપવામાં આવશે.

રોજગારી અને આવાસઃ લારી-ગલ્‍લા અને પાથરણા વાળાઓને હપ્તારાજમાંથી મુક્‍તિ અપાવવા સ્‍ટ્રીટ વેન્‍ડર પોલિસી અમલી બનશે. કોઈના ઘર કે ધંધા પર બુલડોઝર ચલાવવાને બદલે તેમને સસ્‍તું આવાસ અને વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા અપાશે.

પાયાની સુવિધાઓઃ દરેક નાગરિકને ૧૨ મહિના શુદ્ધ પીવાનું પાણી, ટ્રાફિક મુક્‍ત મજબૂત રસ્‍તાઓ, આધુનિક સફાઈ વ્‍યવસ્‍થા અને પ્રદૂષણ મુક્‍ત હરિયાળા શહેરનું નિર્માણ કરાશે.

પારદર્શક વહીવટઃ વહીવટમાં પારદર્શિતા લાવવા દરેક ખર્ચનો હિસાબ જાહેર કરાશે. ડિજિટલ ટ્રેકિગ સિસ્‍ટમ અને મજબૂત વિજિલન્‍સ દ્વારા ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ શ્રી ચાવડાએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્‍વર્ગસ્‍થ રાજીવ ગાંધીએ પંચાયતી રાજમાં મહિલાઓને અનામત આપીને સત્તાનું વિકેન્‍દ્રીકરણ કર્યું હતું, જે વિચારધારાને કોંગ્રેસ આગળ ધપાવશે.

આ કાર્યક્રમમાં ડો. મનીષ દોશી, હેમાંગ રાવલ અને અન્‍ય વરિષ્ઠ આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

 

(10:19 AM IST)