તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
કરજણ ડેમની જળસપાટીમાં સતત વધારો, 58.21 ટકા લાઇવ સ્ટોરેજ સાથે 13,836 ક્યુસેક પાણીની આવક-જાવક યથાવત
ડેમના નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ નોંધાતા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કરજણ ડેમની જળસપાટી 106.20 મીટર નોંધાઈ છે, જ્યારે ડેમની સંપૂર્ણ જળસપાટી 115.25 મીટર છે. હાલમાં ડેમમાં 289.57 એમસીએમ લાઇવ સ્ટોરેજ અને 313.58 એમસીએમ ગ્રોસ સ્ટોરેજ ઉપલબ્ધ છે, જે કુલ લાઇવ સ્ટોરેજ ક્ષમતાના 58.21 ટકા જેટલું છે.
ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન કરજણ ખાતે 19 મિ.મી., ફૂલવાડી ખાતે 39 મિ.મી. અને ઘાટોલી ખાતે 40 મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે ચાલુ ચોમાસામાં અત્યાર સુધી કરજણ ના કેચમેન્ટ વિસ્તારમાં 557 મિ.મી., ફૂલવાડીમાં 692 મિ.મી. અને ઘાટોલીમાં 1012 મિ.મી. વરસાદ નોંધાયો છે.
ડેમમાં હાલમાં 13,836 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકને ધ્યાનમાં રાખી ડેમના ગેટ નંબર 2, 4 અને 6ને 1.40 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેના દ્વારા 13,836 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાઇડ્રો પાવર હાઉસ મારફતે હાલમાં કોઈ પાણી છોડવામાં આવી રહ્યું નથી.
તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
