તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
સતત વરસાદથી વડોદરા-સાવલી વચ્ચે ધનતેજ–સધાપુરા જોડતો માર્ગ ધોવાયો : ડાઈવર્ઝન પાસેનું ગરનાળું તૂટતા વાહનવ્યવહાર બંધ : જુઓ વિડીયો
ગરનાળું તૂટી જતાં રસ્તાને ભારે નુકસાન : ધનતેજ અને સધાપુરાના ગ્રામજનોની અવરજવર ખોરવાઈ :મરામત કામની રાહ જોતા ગ્રામજનો

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૯ : સતત પડી રહેલા ભારે વરસાદને કારણે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ધનતેજ અને સધાપુરા ગામને જોડતો મુખ્ય માર્ગ ધોવાઈ જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ડાઈવર્ઝન પાસે આવેલું ગરનાળું તૂટી જતાં રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે. જેના કારણે બંને ગામના ગ્રામજનોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદના કારણે માર્ગ પરથી પાણીનો ભારે ધસમસાટ થતાં ડાઈવર્ઝન પાસેનું ગરનાળું તૂટી ગયું હતું. ગરનાળું તૂટતા જ માર્ગનો મોટો ભાગ તણાઈ ગયો હતો અને મોટા ખાડા પડી ગયા હતા. પરિણામે ધનતેજથી સધાપુરા જતા તમામ પ્રકારના વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. હાલ માર્ગ પર માત્ર પગપાળા જવાની પણ સ્થિતિ નથી.
માર્ગ બંધ થવાથી ધનતેજ અને સધાપુરા સહિત આસપાસના ગામોના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરીયાત લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્કૂલ-કોલેજે જતા વિદ્યાર્થીઓને 5-7 કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે. ખેતમજૂરી અને ખેતીના કામ માટે જતા ખેડૂતોને તેમજ નોકરી-ધંધા માટે જતા લોકોને સમયસર પહોંચવામાં ભારે તકલીફ પડી રહી છે.
સત વરસાદથી ગ્રામિણ માર્ગોની સ્થિતિ પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન લાગ્યું છે. ગામ લોકોનું કહેવું છે કે, દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાય છે, પરંતુ કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ધનતેજ–સધાપુરા માર્ગના મરામત કામ માટે ગ્રામજનો તંત્રની રાહ જોઈ રહ્યા છે. ગ્રામજનોએ માંગ કરી છે કે, તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરી માર્ગને વહેલી તકે રિપેર કરવામાં આવે જેથી તેમની રોજિંદી અવરજવર સરળ બને.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
