તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
નવસારીના ચીખલી અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કાવેરી નદીની સપાટીમાં સતત વધારો
પૂરના પાણી ફરી વળતાં ચીખલી રિવરફ્રન્ટ સ્થિત પ્રસિદ્ધ તડકેશ્વર મંદિર પાણીમાં ગરકાવ:કોઝવે ડૂબી જતાં વાહનવ્યવહાર બંધ થયો:તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ

દક્ષિણ ગુજરાતમાં વરસાદી મેઘતાંડવ યથાવત છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકા અને તેના ઉપરવાસના વિસ્તારોમાં નોંધાયેલા તોફાની વરસાદના કારણે નદી-નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ચીખલીમાંથી પસાર થતી પવિત્ર કાવેરી નદીમાં પાણીની ભારે આવક થતાં સપાટીમાં સતત અને ઝડપી વધારો થઈ રહ્યો છે. કાવેરી નદી બે કાંઠે વહેતી થતાં આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે.
નદીમાં વધી રહેલા વહેણ અને પૂરના પાણીને કારણે ચીખલી રિવરફ્રન્ટ પર આવેલું સુપ્રસિદ્ધ તડકેશ્વર મહાદેવ મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મંદિર પરિસરમાં ચારેય તરફ નદીના ધસમસતા પ્રવાહનો ભરાવો થઈ ગયો છે. દ્રશ્યોમાં મંદિરનો ગર્ભપંથક અને આસપાસનો વિસ્તાર જળમગ્ન થયેલો જોવા મળી રહ્યો છે. ધાર્મિક સ્થળ પર પાણી ફરી વળતાં સ્થાનિક શ્રદ્ધાળુઓ અને રહીશોમાં ચિંતાનો મોજો ફરી વળ્યો છે.
કાવેરી નદીમાં આવેલી જળ હોનારતને કારણે નદી પર આવેલો નીચાણવાળો કોઝવે અને બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે રસ્તા પરથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે. કોઝવે ડૂબી જવાને કારણે સામસામેના અનેક ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે. વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે, જેના પગલે નોકરીયાતો અને વાહનચાલકો અટવાઈ પડ્યા છે.
કાવેરી નદીના રોદ્ર સ્વરૂપ અને સતત વધતા જળસ્તરને પગલે કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની ભીતિ સેવાઈ રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. સ્થાનિક મામલતદાર અને પોલીસ કાફલો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે.
પૂરના જોખમને જોતાં તંત્ર દ્વારા નાગરિકો અને ગ્રામજનો માટે સાવચેતીની સ્પષ્ટ સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. વહીવટી તંત્રે તમામ લોકોને નદી કિનારે ન જવા તેમજ સેલ્ફી લેવા કે પાણી જોવા ભેગા ન થવા કડક અપીલ કરી છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરિવારજનોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને કોઈપણ કટોકટીના સમયે સ્થાનિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
