<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

વિવાદાસ્‍પદ કીર્તિ પટેલની સુરેન્‍દ્રનગરમાંથી ધરપકડ : જુઓ વિડિયો

વિવાદાસ્‍પદ સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍સર કીર્તિ પટેલની સુરત પોલીસે સુરેન્‍દ્રનગરના રતનપર સ્‍થિત નિવાસસ્‍થાનેથી જૂના કેસમાં ધરપકડ કરી

સુરત  તા.૩૦: વિવાદાસ્‍પદ સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍સર કીર્તિ પટેલની સુરત પોલીસે સુરેન્‍દ્રનગરમાંથી ધરપકડ કરી છે. સુરતના પુણા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા એક જૂના કેસમાં કાર્યવાહી કરતાં પોલીસે રતનપર સ્‍થિત અવધેશ્વર ટાઉનશિપમાં આવેલા તેમના નિવાસસ્‍થાનેથી કીર્તિ પટેલને ઝડપી પાડી છે. ધરપકડ બાદ વધુ પૂછપરછ અને કાયદાકીય કાર્યવાહી માટે તેમને સુરત લઈ જવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આ કાર્યવાહી ભાવનગરના વેપારી તથા મહિલા સરપંચના પતિ રાજુ ભમ્‍મરે નોંધાવેલી ફરિયાદના આધારે કરવામાં આવી છે. ફરિયાદમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્‍પેન્‍ડેડ મહિલા કોન્‍સ્‍ટેબલ નયના બારૈયા સામે સોશિયલ મીડિયા મારફતે પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ, ધમકી અને અન્‍ય ગંભીર આક્ષેપો કરવામાં આવ્‍યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૨૯૬(બી), ૩૫૧(૨), ૩૫૬(૩), ૫૪(આઈ) તેમજ માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ (IT Act)ની કલમ ૬૭ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ જ કેસમાં હવે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સ્‍ટેશન બહારનો વીડિયો થયો હતો વાયરલ - આ કેસ નોંધાયા બાદ કીર્તિ પટેલે પુણા પોલીસ સ્‍ટેશનની બહાર એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કર્યો હતો. વીડિયોમાં તેમણે ફરિયાદ કરનાર રાજુ ભમ્‍મરને ખુલ્‍લો પડકાર આપતાં નિવેદન આપ્‍યું હતું. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્‍યો હતો.

૧૩ લાખ ફોલોઅર્સ, બે ઈન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ બ્‍લોક - કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહી છે. તેના ઈન્‍સ્‍ટાગ્રામ પર અંદાજે ૧૩ લાખ ફોલોઅર્સ હતા. પોલીસના જણાવ્‍યા મુજબ, તેમની સામે વિવિધ ફરિયાદોને ધ્‍યાનમાં રાખીને Kirti_patel_official5143 અને Kirti_ni_moj5143 નામના બે ઈન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ ભારતમાં બ્‍લોક કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ તેમણે અન્‍ય એક ખ્‍ધ્‍૪૭ લખેલું નવું એકાઉન્‍ટ શરૂ કર્યું હોવાની પણ ચર્ચા છે.

૨૦૧૭થી અત્‍યાર સુધી ૧૦ ગુના નોંધાયા - પોલીસ રેકોર્ડ મુજબ કીર્તિ પટેલ સામે વર્ષ ૨૦૧૭થી ૨૦૨૬ દરમિયાન વિવિધ પોલીસ સ્‍ટેશનોમાં કુલ ૧૦ ગુના નોંધાયેલા છે. તેમાં મારામારી, ધાકધમકી, ખંડણી, મૃગીકુંડમાં મંજૂરી વગર સ્‍નાન અને અન્‍ય ગુનાઓનો સમાવેશ થાય છે. સુરત ઝોન-૧ના ડીસીપી આલોક કુમારે અગાઉ જણાવ્‍યું હતું કે, સુરતના વિવિધ પોલીસ સ્‍ટેશનોની ભલામણ બાદ સાયબર ક્રાઈમ વિભાગે તેમના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ્‍સ સામે કાર્યવાહી કરી હતી.

હાલ પોલીસે કીર્તિ પટેલની ધરપકડ બાદ કેસમાં વધુ પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર મામલાની તપાસ ચાલુ છે. (રાજુ ભમ્‍મર અને કીર્તિ પટેલની ફાઈલ તસવીર)

(3:06 PM IST)