તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
'વંદે માતરમ્' ગાન દરમિયાન બેસી જવાના વિવાદે ગૃહમાં લાવ્યો ગરમાવો : અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મામલાનો અભ્યાસ કરી નિર્ણય લેશે
કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડવાળા સામે શિસ્તભંગના પગલાં લેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો : સામે પક્ષે કોંગ્રેસના અમિત ચાવડાએ પણ આપ્યો કડક જવાબ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: વિધાનસભા સત્રની શરૂઆતમાં જ 'વંદે માતરમ્' ગાન વખતે બનેલી એક ઘટનાને કારણે ગૃહનું વાતાવરણ ભારે ગરમાયું હતું. ગઈકાલે ગૃહના પ્રારંભે ગવાયેલા રાષ્ટ્રગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડવાળા વચમાં જ સીટ પર બેસી જતાં શાસક પક્ષે આયોજનબદ્ધ વિરોધ ગણાવી તેમની સામે આકરાં પગલાં લેવાની માંગ કરી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી આક્ષેપ કર્યો હતો કે, 'વંદે માતરમ્' ગાન ચાલુ હતું ત્યારે ઈમરાન ખેડવાળા બેસી ગયા હતા, જે માત્ર રાષ્ટ્રગાન કે વિધાનગૃહની પ્રણાલીનું અપમાન નથી પરંતુ અત્યંત ગંભીર બાબત છે. આ કોઈ આકસ્મિક ભૂલ નથી પરંતુ આયોજનબદ્ધ વિરોધ છે. તેમણે આ બાબતની ગંભીર નોંધ લઈ વિશેષ અધિકાર ભંગની કાર્યવાહી કરવા તથા ભવિષ્યમાં કોઈ આવી ભૂલ ન કરે તે માટે દ્રષ્ટાંતરૂપ પગલાં લેવા અધ્યક્ષ સમક્ષ માંગ કરી હતી.
શાસક પક્ષના મંત્રી અર્જુન મોઢવાડીયા એ આક્રમક સુરમા ઉમેર્યું હતું કે, આ રાષ્ટ્રગાનનો વિરોધ કરનારને 3 વર્ષની સજા થવી જોઈએ. દેશમાં સૌ કોઈએ રાષ્ટ્રગાનને સન્માન આપવું જ પડે. ગૃહમાં જ્યારે અધ્યક્ષશ્રી પણ ઊભા હોય ત્યારે તમામ સભ્યોએ ઊભા રહીને મર્યાદા જાળવવી જોઈએ.
સામે પક્ષે બચાવ કરતાં કોંગ્રેસના અમિત ચાવડા અને જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે, રાષ્ટ્રગાનની શરૂઆતથી અંત સુધી તમામ સભ્યો પોતપોતાના સ્થાને સન્માનપૂર્વક ઊભા જ હતા. અમારા પક્ષની આઈ.બી. અને પોલીસ દ્વારા વોચ રાખવામાં અવર છે અને અમારો રાષ્ટ્રપ્રેમ જોખમમાં મૂકાય તેવો ખોટો વિરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે. 'વંદે માતરમ્' સમગ્ર દેશ માટે વંદનીય છે. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ અને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા જે બે અંંતરા ગાવાનું નક્કી કરાયું હતું તે જ મુજબ ગવાયું હતું. આ બે અંતરા પૂર્ણ થયા બાદ જ ઈમરાન ખેડવાળા પોતાની સીટ પર બેઠા હતા. અને આ ગણ માં વધુ અંતરાઓ ઉમેરવા સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે આઝાદી વખતે જેમણે ગોળીઓ ખાધી અને લાકડીઓ ઝીલી ત્યારે RSSના કોઈ વ્યક્તિએ યોગદાન આપ્યું નહોતું.
બંને પક્ષોની રજૂઆતો અને સૂચનો સાંભળ્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગૃહને જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા જે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવ્યો છે તેને હું સ્વીકારું છું. આ બાબત વિધાનગૃહની મર્યાદા સાથે જોડાયેલી અને અત્યંત ગંભીર હોવાથી, સમગ્ર મામલાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય આપવામાં આવશે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
