તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 16th November 2026
યાત્રાધામ ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં વીઆઈપી દર્શનનો વિવાદ વધુ ઉગ્ર બન્યો
વર્ષોથી ચાલી આવતી પરંપરાગત દર્શન વ્યવસ્થામાં ફેરફારો સામે ભક્તોમાં ભારે નારાજગી:ભગવાનના દરબારમાં સામાન્ય શ્રદ્ધાળુઓ અને ખાસ મહેમાનો વચ્ચે ભેદભાવ સામે વૈષ્ણવો અને સેવકો મેદાને:ટ્રસ્ટીનો ઘેરાવ

ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં VIP કલ્ચર ઊભું કરવાના પ્રયાસ સામે વિરોધનો વંટોળ સર્જાયો છે. વૈષ્ણવો અને સેવકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મંદિરમાં VIP દર્શન વ્યવસ્થા ઊભી કરવા માટે કીર્તનિયા જાળીનો કઠેરો (જ્યાં ભક્તો બેસીને ભગવાન સમક્ષ કીર્તન અને પદોનું ગાન કરે છે) કાપવાની કામગીરી શરૂ થતાં જ વિરોધ કરવામાં આવ્યો. પરંપરાગત વ્યવસ્થામાં ફેરફાર થતા ભક્તોની લાગણી દુભાઈ છે. આ મુદ્દે રોષે ભરાયેલા વૈષ્ણવો અને સેવકોએ મંદિરના ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી હતી.
મંદિરના મુખ્ય દ્વાર નજીક નવો VIP રેસ્ટ રૂમ બનાવવાના નિર્ણય સામે પણ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ આયોજન મુજબ VIP મહેમાનો માટે એસી (AC) બેઠક વ્યવસ્થા અને ટોયલેટ-બાથરૂમ સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવાની તૈયારી ચાલી રહી છે. સામાન્ય ભક્તો માટે બેઠક વ્યવસ્થા ઊભી કરવાને બદલે VIP હોલ બનાવવાના આયોજનથી શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. લાખો રૂપિયાના ખર્ચે માત્ર ખાસ મહેમાનો માટે સુવિધાઓ ઊભી કરવાની યોજના સામે અનેક સવાલો ઉઠ્યા છે.
વિરોધ કરી રહેલા વૈષ્ણવો અને સેવકોએ મંદિર પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે ડાકોર મંદિરની વર્ષો જૂની પરંપરા તોડીને અહીં કર્ણાવતી કલ્ચર (એટલે કે હાઈ-પ્રોફાઈલ ક્લબ કે કોર્પોરેટ સંસ્કૃતિ) ઠોકી બેસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે, ભગવાનના દરબારમાં દરેક ભક્ત સમાન હોવા જોઈએ, પરંતુ અહીં ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, હાલ ડાકોર મંદિરમાં સામાન્ય ભક્તો માટે સુવિધા કે VIP મહેમાનો માટે વિશેષ વ્યવસ્થા, તે મુદ્દે વિવાદ ખૂબ જ ઉગ્ર બન્યો છે. દૂર-દૂરથી આવતા સામાન્ય દર્શનાર્થીઓને પૂરતી સુવિધા મળતી નથી, ત્યારે VIP માટે લાખો રૂપિયા ખર્ચવા કેટલા યોગ્ય છે તેવો સવાલ વિરોધ કરનાર પૂછી રહ્યા છે. જો આ કામગીરી તાત્કાલિક બંધ નહીં થાય, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
