<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

પ્રથમ વરસાદમાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલી: પીપલોદ–વાઘઉમર માર્ગના 3 ગરનાળા ધોવાયા, વરસાદે છતી કરી વિકાસની પોલ

પીપલોદ–વાઘઉમર માર્ગ પર વરસાદનો કહેર કે ભ્રષ્ટાચારનો ખેલ? ગરનાળા ધોવાતા સવાલો ઊભા:પ્રથમ વરસાદમાં જ પીપલોદ–વાઘઉમર માર્ગના ગરનાળા ધોવાતા અનેક ગામો સંપર્ક વિહોણા બનવાની ભીતિ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ પીપલોદથી વાઘઉમર જતો મુખ્ય માર્ગ પર પ્રથમ જ ભારે વરસાદમાં ત્રણ ગરનાળા ધોવાઈ જતાં વિકાસ કાર્યોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગરનાળા ધોવાઈ જવાને કારણે માર્ગ જોખમી બની ગયો છે અને કોઈપણ સમયે અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
પ્રથમ જ વરસાદમાં ગરનાળા ધોવાઈ જવાની ઘટનાએ માર્ગ નિર્માણ અને વિકાસ કાર્યોની ગુણવત્તા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. જો તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો વાઘઉમર, પાનખલા અને નીચલી માથાસર સહિતના ગામોનો ડેડીયાપાડા તાલુકા મથક સાથેનો સંપર્ક ખોરવાઈ શકે છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
બીજી તરફ ભારે વરસાદને કારણે ડુંગરાળ વિસ્તાર માંથી મોટા પ્રમાણમાં માટી અને પથ્થરો રસ્તા પર આવી પડતાં વાહન વ્યવહાર વધુ જોખમી બન્યો છે. માર્ગ પરથી કાટમાળ દૂર કરવા માટે જેસીબી દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે.
હાલની સ્થિતિને જોતા સંબંધિત વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ધોવાયેલા ગરનાળાઓનું સમારકામ, માર્ગની સુરક્ષા સુનિશ્ચિત કરવી તેમજ રસ્તા પર પડેલા માટી અને પથ્થરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. પ્રથમ જ ભારે વરસાદમાં ગરનાળા ધોવાઈ જવાની ઘટનાએ વિકાસ કાર્યોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે

(11:28 PM IST)