તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
મદાવાદના પોશ સાયન્સ સિટી રોડ પર એમ્પાયર સ્કાયવ્યુ એપાર્ટમેન્ટ બહાર ફટાકડા ફોડવા બાબતે ધીંગાણું :હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ : 5 લોકો ઘાયલ
બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કર્યું: 20 થી 25 લોકોના ટોળાએ કરેલા હુમલામાં 5 લોકો ઈજાગ્રસ્ત :સ્વબચાવમાં લાયસન્સવાળી પિસ્તોલમાંથી હવામાં ફાયરિંગ:બોડકદેવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ શહેરના પોશ ગણાતા સાયન્સ સિટી રોડ વિસ્તારમાં તહેવારોની મોસમ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સાયન્સ સિટી રોડ પર આવેલા એમ્પાયર સ્કાયવ્યુ એપાર્ટમેન્ટની બહાર મોડી રાત્રે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં ખૂની સંઘર્ષનું સ્વરૂપ ધારણ કર્યું હતું. માથાભારે શખ્સોના 20 થી 25 લોકોના ટોળાએ ઘાતક હુમલો કરતાં પરિસ્થિતિ વણસી હતી, જેના પગલે સ્વબચાવમાં હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, એમ્પાયર સ્કાયવ્યુ એપાર્ટમેન્ટ પરિસર બહાર ફટાકડા ફોડવાના મુદ્દે સ્થાનિક રહીશો અને બહારથી આવેલા અસામાજિક તત્વો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ પોતાના અન્ય સાગરીતોને હથિયારો સાથે બોલાવી લીધા હતા. ક્ષણિક વારમાં 20 થી 25 જેટલા માથાભારે લોકોના ટોળાએ એપાર્ટમેન્ટ બહાર તોફાન મચાવી આડેધડ મારપીટ શરૂ કરી દીધી હતી. આ આચનક થયેલા હુમલાને કારણે એપાર્ટમેન્ટના રહીશો અને હાજર લોકોમાં ભારે નાસભાગ અને દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો.
ટોળાએ મચાવેલી હિંસક બબાલ અને મારપીટમાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ઉગ્ર બનેલા ટોળાના જીવલેણ હુમલાથી પોતાનો અને પરિવારજનોનો જીવ બચાવવા માટે રાકેશભાઈ સોમાભાઈ પટેલ નામના નાગરિકે પોતાની કાયદેસરની લાયસન્સવાળી પિસ્તોલ બહાર કાઢી હતી. તેમણે સ્વબચાવમાં હવામાં 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબારના તીવ્ર અવાજથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો અને હુમલાખોર ટોળું સ્થળ પરથી વિખેરાઈને નાસી છૂટ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ બોડકદેવ પોલીસ સ્ટેશનનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્ત 5 લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે મિલન રબારી, મીત દેસાઈ, મૌલિક દેસાઈ અને રાહુલ દેસાઈ સહિત 20 થી 25 અજાણ્યા લોકોના ટોળા સામે રાયોટિંગ, હુમલો અને ધાકધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ઘટનાસ્થળ પરથી ખાલી કારતૂસ જપ્ત કરી પુરાવા એકત્ર કર્યા છે. આ સાથે એમ્પાયર સ્કાયવ્યુ એપાર્ટમેન્ટ તેમજ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આરોપીઓની ઓળખ સ્પષ્ટ કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. આ વિસ્તારમાં મોડી રાત્રે અશાંતિ ફેલાવનારા તમામ ગુનેગારોને ઝડપી પાડવા માટે બોડકદેવ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવાનું શરૂ કર્યું છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
