<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

નાણાકીય સુરક્ષા અને પેન્શન આયોજન અંગે જાગૃતિ લાવવા ૧ ઓક્ટોબરથી સમગ્ર ગુજરાતમાં 'NPS વાન યાત્રા' યોજાશે

દિલ્હીથી કેન્દ્રીય નાણામંત્રી દ્વારા કરાવાશે પ્રસ્થાન : અમદાવાદથી શરૂ થઈને ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી નાગરિકોને કરાશે માર્ગદર્શિત

અમદાવાદ:નાગરિકોમાં પેન્શન આયોજન અંગે વ્યાપક જાગૃતિ લાવવાના હેતુથી 'NPS દિવસ ૨૦૨૬' ના વિશેષ પ્રસંગે ૧ ઓક્ટોબર ૨૦૨૬થી સમગ્ર ગુજરાતમાં 'NPS વાન યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. નવી દિલ્હી ખાતેથી કેન્દ્રીય નાણામંત્રી દ્વારા આ રાષ્ટ્રીય યાત્રાને ફ્લેગ ઓફ કરાવાશે. આ વાન યાત્રા દેશના અમદાવાદ સહિત ચાર મુખ્ય શહેરોમાં નિયત કરાયેલા સ્થળોએથી એકસાથે શરૂ થશે.

સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC) – ગુજરાત દ્વારા મળેલી અખબારી યાદી મુજબ, ગુજરાતમાં NPS વાન યાત્રાનો પ્રારંભ ૧ ઓક્ટોબરના રોજ SLBC ઓફિસ, અમદાવાદ ખાતેથી થશે. આ યાત્રા ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ સુધી રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) વિશે માહિતી પહોંચાડવાનો અને સુરક્ષિત ભવિષ્ય માટે પેન્શન આયોજનના મહત્વને ઉજાગર કરવાનો છે.

આ યાત્રા દરમિયાન રાજ્યના શહેરી અને ગ્રામીણ કેન્દ્રો, સ્થાનિક બજારો, સહકારી સંસ્થાઓ, ડેરી તેમજ કારીગર ક્લસ્ટરો અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો યોજાશે. જેના માધ્યમથી સમાજના તમામ વર્ગો સુધી પહોંચીને નાગરિકોને NPS અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવશે અને તેમને આ યોજનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરાશે.

SLBC ગુજરાત દ્વારા રાજ્યભરના નાગરિકોને આ વાન યાત્રામાં મોટી સંખ્યામાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોની સક્રિય ભાગીદારીથી પેન્શન જાગૃતિના આ સંદેશને વધુ મજબૂત બનાવી શકાશે, જેથી વધુને વધુ પરિવારો સમયસર નાણાકીય સુરક્ષાનું આયોજન કરી શકે.

(6:29 PM IST)