તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાં ‘ઓપરેશન કારાવાસ’ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ વડા કરણરાજ વાઘેલા અને ડીસીપી ભાવેશ રોજિયાની ટીમનું ગોંડલમાં વિશેષ ઓપરેશન : પોલિસ ઇન્સ્પેક્ટર જે જી પટેલની ટીમે હત્યા કેસના વૉન્ટેડ કુખ્યાત શેહજાદ ઉર્ફે બાબુ ખુજલીને રાતોરાત ઉપાડી લીધો
લાલગેટના ચકચારી ખૂન કેસમાં વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગોંડલના મોલમાં નોકરી કરતા અને રાંદેર વિસ્તારમાં મરણ જનારના ભાઈ પાસે જેલ ખર્ચની ૫૦,૦૦૦ રૂપિયાની ખંડણી માંગનારા ૨૭ વર્ષીય શેહજાદ ફારૂક મોમીનને દબોચી લેતી સુરત ક્રાઈમ બ્રાન્ચ

રાજકોટ: રાજ્યભરમાં પેરોલ-ફર્લો તેમજ વચગાળાના જામીન મેળવીને અથવા પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા માટે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ‘ઓપરેશન કારાવાસ’ ઝુંબેશનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચ વડા કરણરાજ વાઘેલા, નાયબ પોલીસ કમિશનર ભાવેશ રોજિયા તેમજ મદદનીશ પોલીસ કમિશનર ક્રાઈમની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે જી પટેલની દોરવણી હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત વર્કઆઉટમાં હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની મોબાઈલ ચોરી સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને મળેલી એક ચોક્કસ બાતમીના આધારે, લાલગેટ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલા કુખ્યાત આરોપી શેહજાદ ઉર્ફે બાબુ ખુજલીને રાજકોટના ગોંડલ સામા કાંઠા વિસ્તારમાંથી રાતોરાત ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.
પાઇપ લાઇન નાખવાની સામાન્ય બાબતે કરી હતી હત્યા:
આ ચકચારી બનાવની વિગત એવી છે કે, તારીખ ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ આરોપી શેહજાદ ઉર્ફે બાબુ ખુજલી ફારૂક મોમીન અને તેના ભાઈ એઝાઝ ફારૂક મોમીનના માતા-પિતાના પાલીયા ગ્રાઉન્ડ વાળા ઘરે એસ.એમ.સી. દ્વારા પાણીની નવી પાઇપ લાઇન નાખવામાં આવી હતી. જેના કારણે પાડોશમાં રહેતા મરણ જનાર અફઝલ પટેલના ઘરે પાણી આવતું બંધ થઈ ગયું હતું. પાણી બંધ થવાની આ સામાન્ય બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને ઝગડો થયો હતો. આ વાતની અદાવત રાખીને આરોપી ભાઈઓ શેહજાદ ઉર્ફે બાબુ ખુજલી અને એઝાઝ ફારૂક મોમીને ભેગા મળીને અફઝલ પટેલને કમરના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ગંભીર ગુનામાં ધરપકડ થયા બાદ આરોપી શેહજાદ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ હતો.
જામીન પર બહાર આવી મરણ જનારની પત્ની અને ભાઈને ધમકાવ્યા:
લાજપોર જેલમાં સજા કાપી રહેલા આરોપી શેહજાદે નામદાર કોર્ટમાંથી ૭ દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ તારીખ ૧૧/૧૨/૨૦૨૫ ના રોજ આરોપીએ મરણ જનારની પત્ની એટલે કે શ્રીમતી પટેલને તેના પતિની જેમ જ તેના દીકરાને પણ જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી, જે અંગે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. એટલું જ નહીં, આરોપી શેહજાદે મરણ જનાર અફઝલ પટેલના ભાઈ પાસે એવી માંગણી કરી હતી કે તેઓ વિરુદ્ધ કોર્ટ કેસ ચલાવવામાં તેને ઘણો ખર્ચ થયો છે, જેના બદલામાં ૫૦,૦૦૦ રૂપિયાની ખંડણી આપવી પડશે. આ ખંડણી અને ધમકીના મામલે રાંદેર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઓળખ છુપાવવા ગોંડલના મોલમાં નોકરી કરતો હતો:
આ બંને ગુનાઓ દાખલ થતાં જ આરોપી વચગાળાના જામીન પૂરા થવા છતાં જેલમાં હાજર થવાને બદલે નાસતો-ફરતો થઈ ગયો હતો. આ મામલે નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ BNSS કલમ ૭૨ મુજબ ફરારી વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસથી બચવા અને પોતાની ઓળખ છુપાવવા માટે આરોપી શેહજાદ સુરતથી ભાગીને રાજકોટના ગોંડલ ખાતે આવી ગયો હતો અને અહીં એક મોલમાં નોકરી કરવા લાગ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સિસ અને બાતમીદારોની મદદથી આખરે તેને ગોંડલથી દબોચી લીધો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીનું નામ અને ગુનાહિત ઇતિહાસ:
* આરોપીનું નામ: શેહજાદ ઉર્ફે બાબુ ખુજલી S/o ફારૂખ મોમીન (ઉંમર વર્ષ ૨૭), રહેવાસી-ઇકબાલનગર ઝુપડપટ્ટી, ગોલ્ડન ટી સેન્ટરની બાજુમાં, રાંદેર, સુરત.
* વચગાળાના જામીન પરથી ફરાર થયાનો ગુનો: લાલગેટ પોલીસ સ્ટેશન PART A FIR No.563/2024 BNS કલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ મુજબ.
* BNSS કલમ ૭૨ મુજબનો વોન્ટેડ ગુનો: રાંદેર પોલીસ સ્ટેશન PART A FIR No.૧૬૨૩/૨૦૨૫ BNS કલમ ૩૦૮(૫), ૧૧૫(૨), ૩૫૧(૩), ૩(૫) મુજબ (ખંડણીનો ગુનો).
* અન્ય ગુનાહિત ઇતિહાસ: લાલગેટ પોલીસ સ્ટેશન PART A FIR No.૫૯૬/૨૦૨૫ BNS કલમ ૩૫૧(૩), ૩(૫) મુજબ.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
