તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
મહેસાણાના વિજાપુરમાં મધ્યાહન ભોજન યોજનામાં કરોડોની ગેરરીતિ: 6 પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યામાં છેતરપિંડી
વધુ હાજરી બતાવી સરકારી અનાજ અને ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ :મામલતદારે 6 શાળાઓના સંચાલકોને નોટિસ ફટકારી ખુલાસો માંગતા ફફડાટ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજન યોજનામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વિજાપુર તાલુકાની 6 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની હાજરીમાં મોટા પાયે ચેડાં કરી સરકારી અનાજ અને ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, શાળાઓની વર્ધીબુક અને સરકારના ઓનલાઇન PMP પોર્ટલ એપ્લિકેશન પર દર્શાવવામાં આવેલી બાળકોની સંખ્યામાં મોટો તફાવત છે. આ ગેરરીતિ જૂન-2024 થી જાન્યુઆરી-2026 સુધીના સમયગાળા દરમિયાન આચરવામાં આવી છે. બાળકો વાસ્તવમાં હાજર ન હોવા છતાં તેમની સંખ્યા વધુ બતાવીને ભોજનનો ખર્ચ અને અનાજ મેળવવામાં આવ્યું હોવાનું જણાય છે.
આ મામલે વિજાપુર મામલતદારે કડક વલણ અપનાવતા અસરગ્રસ્ત 6 શાળાઓના મધ્યાહન ભોજન સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ જ મામલામાં 11 શાળાઓના આચાર્યોને પણ નોટિસ આપવામાં આવી હતી. હાલમાં સંચાલકોએ આપેલા ખુલાસાઓના આધારે નોટિંગ અને હિયરિંગની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારબાદ જવાબદારો સામે આકરા પગલાં લેવામાં આવશે. શિક્ષણ જગતમાં આ કૌભાંડને લઈને ભારે ચર્ચાઓ જાગી છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
