<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

સુરતમાં જમીન લે-વેચના નામે કરોડોની ઠગાઈ :મ્યુલ એકાઉન્ટ ખોલાવી છેતરપીંડી આચરનાર વધુ એક આરોપીની ધરપકડ

મુખ્ય સૂત્રધાર રવિકુમાર કોલડીયાએ ફરિયાદી પાસેથી જમીનના વેચાણ પેટે કુલ ₹4,81,51,380ની રકમના બે ચેક મેળવ્યા :કાવતરાના ભાગરૂપે ખોટા દસ્તાવેજોના આધારે મ્યુલ એકાઉન્ટ ખોલાવીને આ ચેક જમા કરાવી દીધા

સુરત શહેરમાં જમીન લે-વેચના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના કૌભાંડમાં સુરત ઈકોસેલ પોલીસને મોટી સફળતા મળી છે. વિદેશ રહેતા અસલ જમીન માલિકોની ખોટી સહીઓ કરીને કરોડો રૂપિયાના ચેક બેંકમાં વટાવી લેવાના આ હાઈપ્રોફાઈલ રેકેટમાં પોલીસે વધુ એક સક્રિય આરોપીની ધરપકડ કરી લીધી છે.

પકડાયેલા આરોપીની ઓળખ અમઝત સાહીદ ઈમ્તિયાઝ શેખ તરીકે થઈ છે, જે મુખ્ય સૂત્રધારને બેંકમાં બોગસ મ્યુલ એકાઉન્ટ ખોલાવી આપવામાં સીધી મદદગારી કરતો હતો. આ ચકચારી કેસમાં અગાઉ યસ બેંક અને આઈડીબીઆઈ (IDBI) બેંકના ચાર કર્મચારીઓ પણ બોગસ એકાઉન્ટ ખોલવામાં અને ગેરકાયદેસર સીમકાર્ડ મેળવી આપવામાં મદદ કરવા બદલ ઝડપાઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે આ આખું કૌભાંડ કેટલું વ્યવસ્થિત રીતે પ્લાન કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મુખ્ય સૂત્રધાર રવિકુમાર કોલડીયાએ ફરિયાદી પાસેથી જમીનના વેચાણ પેટે કુલ ₹4,81,51,380ની માતબર રકમના બે ચેક મેળવ્યા હતા. ત્યારબાદ કાવતરાના ભાગરૂપે ખોટા દસ્તાવેજોના આધારે મ્યુલ એકાઉન્ટ ખોલાવીને આ ચેક તેમાં જમા કરાવી દીધા હતા.આ રકમમાંથી ₹2,95,51,321 જેટલી મોટી રકમ અન્ય જુદા-જુદા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવી હતી અને ફરિયાદીને એક પણ રૂપિયો આપવામાં આવ્યો ન હતો.

આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો નોંધાયા બાદ તપાસ ઈકોસેલને સોંપવામાં આવી હતી. ઈકોસેલે અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે મુખ્ય આરોપી રવિ કોલડિયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે જેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

(6:34 PM IST)