<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

કટોસણ રોડથી રણુજ સુધીના 63 કિલોમીટર લાંબા રેલખંડ પર CRS નિરીક્ષણ :પેસેન્જર ટ્રેનો માટે તૈયાર કરવાના પ્રયાસો તેજ

આ ત્રણ દિવસીય મેગા નિરીક્ષણમાં સુરક્ષાના તમામ પાસાઓનું બારીકાઈથી પરીક્ષણ થશે

અમદાવાદ :પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઉત્તર ગુજરાતના રેલવે નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. કટોસણ રોડથી રણુજ સુધીના 63 કિલોમીટર લાંબા રેલખંડને પેસેન્જર ટ્રેનો માટે તૈયાર કરવાના પ્રયાસો તેજ બન્યા છે. કમિશન ઓફ રેલવે સેફટી (CRS) દ્વારા આ રૂટનું આગામી 9 થી 11 જુલાઈ, 2026 દરમિયાન કડક સુરક્ષા નિરીક્ષણ હાથ ધરવામાં આવશે. આ નિરીક્ષણ એ આ રૂટ પર ટૂંક સમયમાં મુસાફરોની અવરજવર શરૂ કરવા માટેનું અંતિમ પગલું માનવામાં આવે છે.

આ ત્રણ દિવસીય મેગા નિરીક્ષણમાં સુરક્ષાના તમામ પાસાઓનું બારીકાઈથી પરીક્ષણ થશે:

9 અને 10 જુલાઈ: રેલવેના ઉચ્ચ અધિકારીઓની ટીમ મોટર ટ્રોલી દ્વારા આખા 63 કિમી લાંબા ટ્રેકની સ્થિતિ, બેલાસ્ટ, અને ટ્રેક ફિટિંગનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે.

11 જુલાઈ: આ દિવસ સૌથી મહત્વનો રહેશે, કારણ કે આ દિવસે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે 'હાઈ-સ્પીડ એન્જિન ટ્રાયલ' કરવામાં આવશે. આ ટ્રાયલ દ્વારા ટ્રેકની ક્ષમતા અને સુરક્ષાનું મૂલ્યાંકન થશે.

આ અત્યંત મહત્વના પરીક્ષણ માટે રેલવેના દિગ્ગજ અધિકારીઓની ટીમ મેદાનમાં ઉતરી છે. જેમાં કમિશન ઓફ રેલવે સેફટી (પશ્ચિમ સર્કલ) ઈ. શ્રીનિવાસ અને અમદાવાદના મંડળ રેલ પ્રબંધક (DRM) વેદ પ્રકાશની સાથે G-RIDE (ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન) ના ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય ટ્રેક એન્જિનિયર અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ ટીમ ટ્રેક ઉપરાંત સિગ્નલિંગ, ઓવરહેડ ઈલેક્ટ્રિક (OHE) સિસ્ટમ અને સ્ટેશનોની ઈન્ટરલોકિંગ વ્યવસ્થાની પણ તપાસ કરશે.

મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું કે, અત્યાર સુધી આ રૂટનો ઉપયોગ માત્ર માલગાડીઓ માટે જ થઈ રહ્યો હતો, પરંતુ CRSની મંજૂરી મળ્યા બાદ પેસેન્જર ટ્રેનો શરૂ થવાથી મહેસાણા અને પાટણ જિલ્લાના હજારો લોકોને સીધો ફાયદો થશે.

બેચરાજી, ખાંભેલ અને ચાણસમા જેવા મહત્વના સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેવાથી વિદ્યાર્થીઓ અને નોકરી-વ્યવસાયના લોકો માટે સસ્તું અને સલામત પરિવહન મળી રહેશે.આ ઉપરાંત સુપ્રસિદ્ધ બેચરાજી મંદિર આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે હવે રેલ માર્ગે પહોંચવું અત્યંત સુલભ બની જશે.

આ ટ્રેન લાઈન સ્થાનિક ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો મોટા શહેરો સુધી પહોંચાડવામાં અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં મોટી ભૂમિકા ભજવશે.

રેલવે પ્રશાસને સામાન્ય જનતાને તાકીદ કરી છે કે 9 થી 11 જુલાઈ દરમિયાન, જ્યારે આ રૂટ પર હાઈ-સ્પીડ ટ્રેનનું પરીક્ષણ ચાલી રહ્યું હોય, ત્યારે રેલવે લાઈન કે તેની આસપાસના વિસ્તારમાં જવાનું ટાળવું. સુરક્ષાના કારણોસર રેલવે લાઈન ક્રોસ કરવાનો પ્રયાસ ન કરવા પણ ખાસ સૂચના આપવામાં આવી છે.

(12:11 AM IST)