તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
દાહોદમાં અંધશ્રદ્ધાનો ક્રૂર કિસ્સો:શરદી-ખાંસી મટાડવા 2 મહિનાના માસૂમ બાળકને આપ્યા ગરમ સોયના ડામ: ભુવા સામે ગુનો દાખલ

દાહોદ :સમાજમાં હજુ પણ અંધશ્રદ્ધાના મૂળિયાં કેટલા ઊંડા છે તેનો જીવંત અને હૃદયદ્રાવક કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે. શરદી-ખાંસી જેવી સામાન્ય બીમારીની સારવારના બહાને એક માસૂમ બાળકને અમાનવીય ક્રૂરતાનો ભોગ બનવું પડ્યું છે.
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના બામન સેમતલિયા ગામનો એક પરિવાર પોતાના ૨ મહિનાના માસૂમ બાળકને શરદી અને ખાંસીની સારવાર માટે દાહોદના જાલત ગામે લાવ્યો હતો. અહીં તેઓ 'સારવાર' કરાવવા માટે જયેશ સોલંકી નામના ભુવા પાસે પહોંચ્યા હતા. ભુવાએ આધુનિક તબીબી પદ્ધતિને બદલે અંધશ્રદ્ધાનો ખેલ ખેલ્યો હતો.
ભુવા જયેશ સોલંકીએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. તેણે લાલચોળ ગરમ કરેલી સોય વડે ૨ મહિનાના માસૂમ બાળકના નાજુક શરીર પર ૪ અલગ-અલગ જગ્યાએ ડામ આપ્યા હતા. આ અમાનવીય અત્યાચારને કારણે બાળકની હાલત ગંભીર રીતે લથડી હતી. બાળક લોહીલુહાણ હાલતમાં અર્ધબેભાન થઈ જતાં પરિવાર તેને તાત્કાલિક ઝાબુઆની હોસ્પિટલ લઈ દોડ્યો હતો.
હોસ્પિટલના તબીબે બાળકના શરીર પર ડામના નિશાન જોઈ તુરંત ઝાબુઆ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં અંધશ્રદ્ધાનો આ આખો મામલો બહાર આવ્યો હતો. ઝાબુઆ પોલીસે કેસ ટ્રાન્સફર કર્યા બાદ ૧૫ દિવસ પછી દાહોદની કતવારા પોલીસે આરોપી ભુવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચિંતાજનક બાબત એ છે કે આ ભુવો અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. જેલમાંથી બહાર આવીને તે ફરી એકવાર માસૂમોના જીવ સાથે રમી રહ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અંધશ્રદ્ધાના ચક્કરમાં આવીને લોકો પોતાના બાળકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તંત્રએ આવા લેભાગુ ભુવાઓ સામે લાલ આંખ કરવી અત્યંત અનિવાર્ય બની ગઈ છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
