<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

વઘઈના કાલીબેલ ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ડાંગ-આહવા એલસીબી : PSI જે.જી. અનડકટ અને ટીમ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ બાળ કિશોરો ગણતરીના દિવસોમાં ઝડપાયા

આઈજીપી પ્રેમવીર સિંહ અને એસપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ચોરી થયેલ મોબાઈલ અને રોકડ સહિત રૂ. ૩૧,૦૦૦ નો મુદ્દામાલ રિકવર : કાલીબેલમાં લગ્ન પ્રસંગના માંડવામાં નાચવા ગયેલા કિશોરોએ મોજશોખ માટે બે ખુલ્લા ઘરોને બનાવ્યા હતા નિશાન

ડાંગ-આહવા:ડાંગ-આહવા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ની ટીમે વઘઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાલીબેલ ગામે થયેલી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. એલસીબીની ટીમે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળ કિશોરોને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૩૧,૦૦૦ નો મુદ્દામાલ રિકવર કરવામાં મોટી સફળતા મેળવી છે. આ ત્રણ બાળ કિશોરોએ પોતાના મોજશોખ પૂરા કરવા માટે લગ્નની રાત્રે ચોરીનો પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત કરી છે.

 

બાતમીના આધારે દિવાનટેમ્બ્રુન ગામમાંથી કિશોરો પકડાયા:

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS), સુરત વિભાગ, સુરત નાઓએ મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે આપેલા આદેશો અન્વયે ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવની સૂચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટ તથા એલસીબીની ટીમ વઘઈ વિસ્તારમાં પેટ્રોલીંગ અને તપાસમાં હતી. આ દરમિયાન પોલીસ ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે, વઘઈ પોલીસ સ્ટેશન "એ" પાર્ટ ગુના રજિસ્ટર નંબર ૧૧૨૧૯૦૦૭૨૬0૩૨૪/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૫(એ) તથા ૩૩૧(૪) મુજબના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ઇસમો દિવાનટેમ્બ્રુન ગામના છે અને હાલ ગામમાં જ હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત દરોડો પાડી કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળ કિશોરોને અટકાયતમાં લીધા હતા.

 

લગ્નના માંડવામાં નાચવા ગયા અને ઘરો ખુલ્લા જોઈ ચોરી કરી:

પકડાયેલા કિશોરોની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તેમણે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, ગત તારીખ ૨૧/૦૬/૨૦૨૬ ના રોજ તેઓ રાત્રિના સમયે કાલીબેલ ગામે એક લગ્ન પ્રસંગમાં માંડવામાં નાચવા માટે ગયા હતા. ત્યાં મોડી રાત્રિના સમયે તેઓ ગામમાં ફરતા હતા ત્યારે અલગ-અલગ બે ઘરોના દરવાજા ખુલ્લા હોવાનું અને અંદર લોકો સૂઈ ગયેલા હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. આથી ત્રણેય કિશોરોએ મોજશોખ કરવા માટે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેઓ ઘરમાં પ્રવેશીને કબાટમાંથી તેમજ ફ્રિજ પર પડેલા પાકીટમાંથી કુલ રૂપિયા ૪૧,૦૦૦ ની રોકડ રકમ તેમજ રૂપિયા ૨૨,૦૦૦ ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૬૩,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરીને ભાગી ગયા હતા. ચોરી કર્યા બાદ તેમણે તેમાંથી કેટલીક રકમ મોજશોખ પાછળ વાપરી નાખી હતી. પોલીસે કિશોરો પાસેથી રૂપિયા ૯,૦૦૦ ની રોકડ અને રૂપિયા ૨૨,૦૦૦ નો મોબાઈલ મળી કુલ રૂપિયા ૩૧,૦૦૦ નો મુદ્દામાલ રિકવર કર્યો છે અને આગળની કાયદેસરની તપાસ વઘઈ પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે.

 

સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ

આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબીના પીએસઆઈ જે.જી. અનડકટ, એએસઆઈ પ્રમોદભાઈ ગનસુભાઈ નીવર, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ પાંડુભાઇ ગાંગુડા, હેડ કોન્સ્ટેબલ જયરામભાઇ માહદુભાઇ બાગુલ, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ જતરીયાભાઇ ગામીત, પોલીસ કોન્સ્ટેબલ હિનયભાઈ સુરેશભાઈ ગાઈન, પોલીસ કોન્સ્ટેબલ ચંદુભાઇ રાજલભાઇ ગાવિત, પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઇ મગનભાઇ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઇ મોતીરામભાઇ વાઘેરા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગંગુબેન શુકર્યાભાઇ ભોયે સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી હતી.

(9:26 PM IST)