તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
સુરત રેન્જ વડા પ્રેમવીર સિંહના માર્ગદર્શનમાં ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવની ટીમની મોટી સિદ્ધિ - 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને રૂ. ૧૧.૮૩ લાખના મોબાઈલ પરત કરાયા : મોબાઈલ ડિટેક્શન રેટમાં ડાંગ પોલીસ સમગ્ર ગુજરાતમાં પ્રથમ
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સાયબર ફ્રોડના રૂ. ૩.૫૦ લાખ પણ અરજદારોને સોંપાયા : ડાંગ એલસીબી પોલીસે અત્યાર સુધીમાં રૂ. ૫૯.૧૫ લાખની કિંમતના ૩૬૦ મોબાઈલ શોધીને રચ્યો ઇતિહાસ

રાજકોટ : સુરત રેન્જ વડા પ્રેમવીર સિંહના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વધુ એક પ્રજાલક્ષી અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોની ગુમ થયેલી ચીજવસ્તુઓ ત્વરિત પરત મળી રહે તે હેતુથી હાથ ધરાયેલી વિશેષ પહેલ અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી પૂજા યાદવ અને તેમની ટીમ દ્વારા એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ તેમજ મળેલી અરજીઓ અને ફરિયાદો સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આજરોજ આહવા ખાતે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ૬૮ મોબાઈલ ફોન, જેની કિંમત રૂ. ૧૧.૮૩ લાખથી વધુ થાય છે, તે તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.
ટેકનોલોજીના ઉપયોગમાં ડાંગ પોલીસ રાજ્યમાં મોખરે: વિજયભાઈ પટેલ
'તેરા તુજકો અર્પણ' અભિયાનની મુક્ત કંઠે પ્રશંસા કરતાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં ડાંગ પોલીસની કામગીરી અત્યંત પ્રશંસનીય છે. પોલીસના સરાહનીય પ્રયાસોને કારણે આજે અનેક લોકોના ચહેરા પર સ્મિત પાછું આવ્યું છે. ટેકનોલોજીના માધ્યમથી મોબાઈલ ફોન શોધવામાં અને બેંક ખાતામાંથી છેતરપિંડીથી ગુમાવેલા પૈસા પરત અપાવવામાં ડાંગ પોલીસ પ્રો-એક્ટિવ રહીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહી છે, જે જિલ્લા માટે ગર્વની બાબત છે. આ સાથે જ સાયબર ક્રાઈમ સ્ટેશને પણ વર્ષો જૂના વણઉકેલાયેલા પ્રશ્નોનું સફળતાપૂર્વક નિરાકરણ લાવ્યું છે. વધુમાં વિજયભાઈ પટેલે લોકોને અપીલ કરી હતી કે, કોઈ પણ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ ફોન કોલથી ગભરાયા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને સાયબર ફ્રોડ અંગે હંમેશા જાગૃત રહેવું.
એલસીબી પોલીસે રૂ. ૫૯.૧૫ લાખની કિંમતના ૩૬૦ મોબાઈલ શોધ્યા - શ્રી પૂજા યાદવ:
કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવે વિગતો આપતા જણાવ્યું હતું કે, રૂ. ૧૧.૮૩ લાખની કિંમતના ૬૮ મોબાઈલ ફોનની સાથે સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોના રૂ. ૩.૫૦ લાખથી વધુની રકમ પણ રિકવર કરીને પરત કરવામાં આવી છે. ડાંગ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ના ટેકનિકલ સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સ અને આધુનિક સોર્સિસનો સમન્વય કરી અત્યાર સુધીમાં કુલ રૂ. ૫૯.૧૫ લાખની કિંમતના ૩૬૦ મોબાઈલ ફોન મૂળ માલિકોને શોધી આપ્યા છે. આ સફળતા સાથે ડાંગ પોલીસ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ રિકવરી રેટ ધરાવે છે.
લાલચથી સાવધ રહેવા અને હેલ્પલાઇન ૧૧૨ નો ઉપયોગ કરવા સૂચના:
નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક જે.પી. નલવૈયાએ જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં દરેક નાગરિક પાસે સાયબર સુરક્ષા અંગેની પ્રાથમિક જાણકારી હોવી અનિવાર્ય છે. સામાન્ય રીતે માનવીય લાલચનો લાભ ઉઠાવીને સાયબર ગુનેગારો છેતરપિંડી આચરતા હોય છે. આથી, ઇન્ટરનેટ કે ફોન કોલ પર મળતી કોઈ પણ પ્રકારની લોભામણી ઓફરોમાં ફસાવું નહીં. તેમણે કોઈ પણ કટોકટી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ સમયે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૧૨ પર સંપર્ક કરવા અપીલ કરી હતી.
ગુમાવેલી મૂડી પાછી મળતાં અરજદારોનો રાજીપો:
સાયબર ફ્રોડનો ભોગ બનેલા સ્થાનિક નાગરિક સતિષભાઈ પટેલે પોતાનો અનુભવ શેર કરતા અન્ય લોકોને સજાગ અને સચેત રહેવા વિનંતી કરી હતી, તેમજ પોતાની રકમ પરત અપાવવા બદલ ડાંગ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. પોતાના વર્ષો જૂના અને કિંમતી મોબાઈલ તેમજ નાણાં પરત મળતા ઉપસ્થિત તમામ નાગરિકોએ રાજીપો વ્યક્ત કર્યો હતો અને પોલીસ તંત્રની આ લોકાભિમુખ કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
