News of Tuesday, 21st April 2026
દરિયાપુર એ માત્ર એક વિસ્તાર નથી, પણ અમદાવાદનું હૃદય:ખાડિયાની ધરતી પવિત્ર, ક્રાંતિકારી અને જનસંઘના ઉદયનું કેન્દ્ર છે: હર્ષભાઈ સંઘવી
કર્ણાવતી મહાનગરના દરિયાપુર, ખાડિયા અને લાંભા વોર્ડ ખાતે જાહેરસભાઓને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અશંતધારો વધુ મજબૂત કરાતા પંજાના નિશાન વાળા અને અન્ય પક્ષના પેટમાં તેલ રેડાયું

અમદાવાદ :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ કર્ણાવતી મહાનગરના દરિયાપુર, ખાડિયા અને લાંભા વોર્ડ ખાતે જાહેરસભાઓને સંબોધિત કરી હતી. હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસના શાસનકાળની અરાજકતા અને ભાજપના સુશાસન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતા મતદારોને રાષ્ટ્રહિત અને સુરક્ષા માટે મતદાન કરવા હાકલ કરી હતી. દરિયાપુર ખાતે જનમેદનીને સંબોધતા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, દરિયાપુર એ માત્ર એક વિસ્તાર નથી, પણ અમદાવાદનું હૃદય છે. અહીંની પોળો, સાંકળી ગલીઓ અને પ્રાચીન મંદિરો આપણી ભવ્ય વિરાસત છે. તેમણે યાદ અપાવ્યું હતું કે આ એ જ ધરતી છે જ્યાંથી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ૧૯૧૭માં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે વિજય મેળવીને જનસેવાનો પ્રારંભ કર્યો હતો.
તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના રાજમાં આ શહેર ગુંડાઓના નામે ઓળખાતું હતું, પરંતુ ભાજપના શાસને ગુંડાઓ અને અસામાજિક તત્વોને પાઠ ભણાવી અમદાવાદને ભયમુક્ત બનાવ્યું છે. આજે જ્યાં પણ જરૂર પડે ત્યાં ગુનેગારોની ગેરકાયદેસર મિલકત ઉપર બુલડોઝર ફરી રહ્યું છે. આપણને સૌને ખબર છે કે અપરાધીઓની ગેરકાયદેસર મિલકત ઉપર બુલ્ડોઝર ફરવાથી કઈ પાર્ટીના પેટમાં દુખે છે. તેમણે ઉમેર્યું કે ગરીબોને પાકા મકાન, વીજળી અને પાણી પહોંચાડવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થયું છે.
ખાડિયાની પવિત્ર અને ક્રાંતિકારી ધરતી પર શ્રદ્ધાંજલિ અર્પતા સંઘવીએ સ્વ. અશોકભાઈ ભટ્ટને યાદ કર્યા હતા અને ખાડિયાને જનસંઘના ઉદયનું કેન્દ્ર ગણાવ્યો હતો. તેમણે ભૂતકાળને વાગોળતા કહ્યું કે, કોંગ્રેસના સમયમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો, રથયાત્રા ઉપર હુમલાઓ, પથ્થરમારો અને ગોળીબાર થતાં જે એ સમયની કથળેલી કાયદો-વ્યવસ્થાનો પુરાવો છે. આજે ભાજપના શાસનમાં દીકરીઓ મોડી રાત સુધી સુરક્ષિત રીતે નવરાત્રીમાં ગરબે ઘૂમી શકે છે.
તેમણે અશાંત ધારાને મજબૂત કરવાનો વિરોધ કરનાર પંજાના નિશાન વાળા અને અન્ય પક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, અશાંતધારો મજબૂત થવાથી અમુક પક્ષોને પેટમાં તેલ રેડાયું છે. ગુજરાતના નાગરિકો પર અત્યાચાર કરનાર કોઈને પણ છોડવામાં આવશે નહીં અને હત્યારાઓ જેલમાં જ રહેશે. હર્ષભાઈ સંઘવીએ મતદારોને ૨૬ તારીખે ભાજપાને મત આપી વિકસિત અને સુરક્ષિત ગુજરાતના સંકલ્પને મજબૂત કરવા આહ્વાન કર્યું હતું.
લાંભા ખાતે જાહેરસભામાં હર્ષભાઈ સંઘવીએ ભાજપ સરકારની વિકાસની રાજનીતિનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લાંભા અને નારોલ સહિતના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપીને નવી ડ્રેનેજ લાઇન અને રંગોલી નગરમાં જલશુદ્ધિના કામો યુદ્ધના ધોરણે પૂર્ણ કરાયા છે, જેથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. લાંભા તળાવનું લોકાર્પણ અને વિસ્તારમાં રોડ-રસ્તા તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધા સહિતના કાર્યો અંગે તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં અત્યાધુનિક અર્બન હેલ્થ સેન્ટર અને CHC સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે, તેમજ સામાજિક પ્રસંગો માટે પાર્ટી પ્લોટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અંતિમ સંસ્કારની વિધિમાં પણ નાગરિકોને તકલીફ ન પડે તે માટે સ્મશાન ગૃહોનું અપગ્રેડેશન કરી ત્યાં બેસવા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિકાસયાત્રાને અવિરત ચાલુ રાખવા માટે તેમણે લાંભાના જાગૃત નાગરિકોનો સહયોગ અને સમર્થનની અપેક્ષા સાથે સૌને ભાજપા તરફી જંગી મતદાન કરવા હાકલ કરી હતી.
આ જાહેરસભાઓમાં કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ પ્રેરકભાઇ શાહ, પ્રદેશ કોષાધ્યક્ષ પરિંદુભાઈ ભગત, સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યઓ, સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
