<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

બકરી ઈદની રજાને કારણે મુખ્યમંત્રીનો 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમની તારીખમાં ફેરફાર: હવે 29 મે શુક્રવારે યોજાશે

નાગરિકો સવારે 8 થી 11:30 સુધી સ્વર્ણિમ સંકુલ-2 ખાતે રૂબરૂ રજૂઆત કરી શકશે: બપોર બાદ CM રૂબરૂ સાંભળશે ફરિયાદો

ગાંધીનગર તા.૨૬ :  રાજ્યના નાગરિકોની સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટે દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 'રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ'ની તારીખમાં આ વખતે ફેરફાર કરવામાં આવ્યો છે.  

ગુરૂવાર તા. 28 મે 2026 ના રોજ બકરી ઈદની જાહેર રજા હોવાથી મે-2026નો 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમ હવે શુક્રવાર તા. 29 મે 2026 ના રોજ યોજાશે. રાજ્ય સરકાર દ્વારા આ ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે.  

આ રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરવા ઈચ્છતા નાગરિકો તા. 29/05/2026, શુક્રવારના રોજ સવારે 8:00 થી 11:30 કલાક દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને પોતાની રજૂઆતો આપી શકશે.  

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવાર તા. 29 મે ના રોજ બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે. તેઓ નાગરિકોની રજૂઆતો રૂબરૂ સાંભળશે તેમજ આવી રજૂઆતોના ઝડપી નિવારણ અને ઉકેલ માટે તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન આપશે.  

નોંધનીય છે કે 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાય છે, પરંતુ જાહેર રજાના કારણે આ વખતે એક દિવસ મોડો યોજાશે.

(3:24 PM IST)