તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
ગુજરાતમાં જીવલેણ 'ચાંદીપુરા વાયરસ'નો ફરી ફૂત્કાર: ૧૭ શંકાસ્પદ કેસ નોંધાયા, માસૂમ બાળકો બન્યા ભોગ, ૩ ના કરુણ મોતથી વહીવટી તંત્રમાં ભારે દોડધામ!
પોઝિટિવ કેસવાળા વિસ્તારોમાં 'સેન્ડ ફ્લાય' માખીનો ખાતમો કરવા આરોગ્ય વિભાગનું મેગા ઓપરેશન; મંત્રી પ્રફુલ પાનશેરિયાએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી

ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સાથે જ એક અત્યંત ખતરનાક અને જીવલેણ ગણાતા 'ચાંદીપુરા વાયરસે' ફરી એકવાર માથું ઉચક્યું છે. આ રહસ્યમય વાયરસના કારણે રાજ્યભરમાં અત્યાર સુધીમાં ૧૭ જેટલા શંકાસ્પદ કેસો સામે આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે લેબોરેટરી ટેસ્ટિંગ દરમિયાન ૬ બાળકોના રિપોર્ટ સત્તાવાર રીતે પોઝિટિવ આવ્યા છે, જેમાંથી ૩ માસૂમ બાળકો આ ઘાતક વાયરસ સામેની જિંદગીની જંગ હારી ગયા છે. બાળકોના મોતના પગલે અસરગ્રસ્ત પરિવારોમાં આક્રંદ છવાઈ ગયો છે અને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
આ ભયાનક સ્થિતિ અંગે વિગતો આપતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધી ૧૭ બાળકોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૧૦ બાળકોના રિપોર્ટ સદનસીબે નેગેટિવ આવ્યા છે. જ્યારે જે ૬ બાળકો સંક્રમિત મળ્યા હતા, તેમાંથી ૩ ના મોત થયા છે." મંત્રીએ ઉમેર્યું કે હાલમાં વિસનગરનો એક સંક્રમિત બાળ દર્દી વડનગરની હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે, જ્યાં નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
અગાઉ વર્ષ ૨૦૨૪માં જ્યારે આ વાયરસ ફેલાયો ત્યારે રાજ્યના ૧૪ જિલ્લાના ૬૧ ગામો તેની ઝપેટમાં આવ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને વન અને આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી જ આ ૬૧ ગામોમાં સઘન ચેકિંગ અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આ વાયરસનો ફેલાવો કરનારી 'સેન્ડ ફ્લાય' (રેતીની માખી) નો નાશ કરવા માટે સંક્રમિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે ફોગિંગ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
માતા-પિતા ખાસ નોંધે: ચાંદીપુરા વાયરસના લક્ષણો
આ વાયરસ મુખ્યત્વે બાળકોને જ નિશાન બનાવે છે, તેથી નીચેના લક્ષણો દેખાતા જ તુરંત સાવધ થઈ જવું:
• અચાનક ખૂબ જ તીવ્ર તાવ આવવો.
• સતત ઉલ્ટીઓ થવી કે ઝાડા થવા.
• માથામાં અસહ્ય દુખાવો થવો અને આંચકી (ખેંચ) આવવી.
• બાળકના શરીરમાં અતિશય નબળાઈ આવી જવી અથવા બાળક બેભાન થઈ જવું.
આરોગ્ય વિભાગે તમામ નાગરિકો અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને અપીલ કરી છે કે, જો બાળકમાં ઉપર મુજબના કોઈ પણ લક્ષણો દેખાય, તો ઘરગથ્થુ ઉપચારમાં સહેજ પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર પાસે દોડી જવું. આ વાયરસ ખૂબ જ ઝડપથી મગજ પર અસર કરતો હોવાથી સમયસરની તબીબી સારવાર જ બાળકનો કિંમતી જીવ બચાવી શકે છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
