તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધનથી ગુજરાતના જાહેર જીવનમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ : સદગતના માનમાં કેબિનેટ બેઠકમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં શોક પ્રસ્તાવ રજૂ કરાયો : ૮ ટર્મ સુધી વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરનારા 'યોગેશ કાકા' સાદગી અને અજોડ જનસેવા માટે સદાય યાદ રહેશે, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સદગતના જીવન-કવનને વાગોળ્યું

ગાંધીનગર:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા સ્વ. યોગેશભાઈ પટેલના દુઃખદ અવસાન બદલ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. કેબિનેટ બેઠકની શરૂઆતમાં જ સદગતના આકસ્મિક નિધન અંગેનો શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના તમામ સભ્યોએ સદગતના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
**સતત ૮ ટર્મ સુધી વિજેતા બની જનતાના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું:**
કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્વ. યોગેશભાઈ પટેલના જાહેર જીવન અને કાર્યોને વાગોળતા જણાવ્યું હતું કે, સમગ્ર વડોદરા અને ગુજરાતમાં 'યોગેશ કાકા'ના હુલામણા નામથી લોકપ્રિય બનેલા વરિષ્ઠ નેતા વડોદરાની જનતાના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવતા અજેય નેતા હતા. તેમણે રાજ્ય વિધાનસભામાં સતત ૮ ટર્મ સુધી પહેલા રાવપુરા અને ત્યારબાદ માંજલપુર બેઠકના લોકપ્રિય પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય પદે રહીને પ્રજાની અનન્ય સેવા કરી હતી. વડોદરાના મતદારોએ દાયકાઓ સુધી તેમના નેતૃત્વ અને પ્રામાણિકતા પર અવિરત અને અતૂટ વિશ્વાસ મૂક્યો હતો.
**રાજ્ય સરકારમાં મંત્રી તરીકે સાદગીપૂર્ણ અને નિષ્ઠાપૂર્વકની સેવાઓ:**
સ્વ. યોગેશભાઈ પટેલે રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ અત્યંત નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક સેવાઓ આપી હતી. મંત્રી જેવા ઉચ્ચ પદ પર હોવા છતાં તેમની સાદગી, સરળતા અને સામાન્યમાં સામાન્ય માણસ માટે પણ હંમેશા ઉપલબ્ધ રહેવાની તેમની કાર્યશૈલી અજોડ હતી, જે અન્ય રાજકીય નેતાઓ માટે પ્રેરણારૂપ છે. તેઓ સંસ્કારી નગરી વડોદરાના સામાજિક અને સાંસ્કૃતિક માળખા સાથે સદાય ખૂબ જ આત્મીયતાથી વણાયેલા રહ્યા હતા.
**ભગવાન શિવના પરમ ભક્ત - વડોદરાને આપી 'શિવનગરી'ની ઓળખ:**
તેઓ ભગવાન શિવના પરમ ભક્ત અને અજોડ ઉપાસક હતા. વડોદરાને સંસ્કારી નગરી ઉપરાંત 'શિવનગરી' તરીકેની ભવ્ય ઓળખ આપવામાં તેમનું બહુમૂલ્ય યોગદાન હતું. શહેરમાં યોજાતી ભવ્ય શિવજીની યાત્રાના આયોજન અને સંચાલન સાથે તેઓ વર્ષો સુધી અતૂટ રીતે જોડાયેલા રહ્યા હતા. આ ઉપરાંત, વડોદરા શહેરના વિકાસમાં, ખાસ કરીને પીવાનું શુદ્ધ પાણી, રસ્તા અને ડ્રેનેજ જેવા પ્રજાના પાયાના જટિલ પ્રશ્નોના કાયમી નિરાકરણમાં તેમનું આયોજનબદ્ધ યોગદાન અમૂલ્ય રહ્યું છે. પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, યોગેશ કાકા જેવા એક સાચા અને ઉમદા જનસેવકના જવાથી સમગ્ર ગુજરાતના જાહેર જીવનને ક્યારેય ન પુરાય તેવી મોટી અને સાચી ખોટ પડી છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
