News of Saturday, 27th June 2026
મણિનગર–મુંબઈ સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરવાનો નિર્ણય
હવે મુસાફરોને ટિકિટ મેળવવામાં વધુ સરળતા રહેશે અને મુસાફરીનું આયોજન કરવું વધુ અનુકૂળ બનશે.

આગામી દિવસોમાં અમદાવાદના મણિનગરથી મુંબઈ જવાનું વિચારી રહ્યા હોવ, તો તમારા માટે એક રાહતના સમાચાર છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને મણિનગર–મુંબઈ સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે હવે મુસાફરોને ટિકિટ મેળવવામાં વધુ સરળતા રહેશે અને મુસાફરીનું આયોજન કરવું વધુ અનુકૂળ બનશે.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09082/09081 મણિનગર–મુંબઈ સેન્ટ્રલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના કુલ 10 વધારાના ફેરા જાહેર કરવામાં આવ્યા છે.
- ટ્રેન નંબર 09082 મણિનગર–મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ, જે અગાઉ 26 જૂન, 2026 સુધી જાહેર કરવામાં આવી હતી, તેના ફેરા હવે 31 જુલાઈ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવ્યા છે.
- ટ્રેન નંબર 09081 મુંબઈ સેન્ટ્રલ–મણિનગર સ્પેશિયલ, જે અગાઉ 25 જૂન, 2026 સુધી જાહેર કરવામાં આવી હતી, તેના ફેરા હવે 30 જુલાઈ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવ્યા છે.
જે મુસાફરો આ ટ્રેનમાં મુસાફરી કરવા માંગે છે, તેઓ 27 જૂન, 2026 થી પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. બુકિંગની સુવિધા તમામ PRS કાઉન્ટરો અને IRCTC ની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
મુસાફરોને વિનંતી છે કે ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય અંગેની સચોટ માહિતી મેળવવા માટે રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે. તેમજ, ટિકિટોની ઉપલબ્ધતા અને રશને ધ્યાનમાં રાખીને વહેલાસર ટિકિટ બુક કરાવી લેવી હિતાવહ છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
