તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Monday, 14th September 2026
દેડીયાપાડા તાલુકા ટીચર્સ ક્રેડિટ સોસાયટીનો શિક્ષક સભાસદોને મોટો લાભ
રૂ.10 લાખ સુધીનું કરજધિરાણ માત્ર 6% વ્યાજદરે મંજૂર

(ભરત શાહ દ્વારા ) નર્મદા: ધી દેડીયાપાડા તાલુકા ટીચર્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ. દ્વારા શિક્ષક સભાસદોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સને 2026-27ના વર્ષથી રૂ.10 લાખ સુધીનું કરજધિરાણ માત્ર 6 ટકા વ્યાજદરે મંજૂર કરવામાં આવ્યું છે. સોસાયટીના આ નિર્ણયથી તાલુકાના શિક્ષક સભાસદોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
સોસાયટીના ચેરમેન ચાર્લેશ કુમાર ચંપકલાલ રજવાડી, મંત્રી રાયસિંહભાઈ, સહમંત્રી તથા કારોબારી સમિતિના સભ્યોની દીર્ઘદૃષ્ટિ અને સભાસદલક્ષી અભિગમના પરિણામે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે. આ પ્રસંગે ચેરમેન, મંત્રી તથા કારોબારી સભ્યોનું પુષ્પગુચ્છ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.
સોસાયટી દ્વારા આપવામાં આવતું ધિરાણ શિક્ષક સભાસદો માટે વિવિધ જીવનજરૂરિયાતોમાં ઉપયોગી બની રહ્યું છે. બાળકોની શિક્ષણ ફી, મકાન બાંધકામ, લગ્ન પ્રસંગ, દાગીનાની ખરીદી, પ્લોટ કે અન્ય મિલકતની ખરીદી તેમજ તબીબી સારવાર જેવી જરૂરિયાતો માટે સભાસદોને આર્થિક સહાય મળી રહે છે. જેના કારણે આકસ્મિક કે મોટા ખર્ચના સમયે ઊંચા વ્યાજદરની બજાર લોન અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ પર નિર્ભરતા ઘટી રહી છે.
સભાસદોની પોતાની બચત અને સહકારથી ચાલતી આ ક્રેડિટ સોસાયટીમાં પારદર્શક વહીવટ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. એપેક્સ સોફ્ટવેરની મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી સભાસદો પોતાની વ્યક્તિગત નાણાકીય માહિતી સહિતની વિગતો આંગળીના ટેરવે મેળવી શકે છે. ટેક્નોલોજીના વધતા ઉપયોગથી સોસાયટીની કામગીરી વધુ સરળ અને ઝડપી બની હોવાનું જણાવાયું છે.
સોસાયટીના વહીવટમાં ખર્ચ ઘટાડવા અને આર્થિક શિસ્ત જાળવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી મંત્રીઓના વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ટેક્નોલોજીના ઉપયોગથી કામગીરી સરળ બનાવવાની સાથે સોસાયટીને આર્થિક લાભ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ખાસ કરીને સોસાયટીના ચેરમેન ચાર્લેશ કુમાર રજવાડી (HTAT) છેલ્લા પાંચ વર્ષથી કોઈ વેતન લીધા વિના તથા સ્વખર્ચે સોસાયટીની પ્રગતિ માટે કામગીરી કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સભાસદોના હિતને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી રહેલા આવા પ્રયાસોને કારણે સોસાયટી સતત પ્રગતિના પંથે આગળ વધી રહી હોવાનું સભાસદોએ જણાવ્યું હતું.
શિક્ષક સભાસદોની પોતાની બચતમાંથી ચાલતી આ સંસ્થા માત્ર ધિરાણ આપતી સંસ્થા નહીં પરંતુ શિક્ષક પરિવારની વિવિધ આર્થિક જરૂરિયાતોના સમયે આશીર્વાદરૂપ સહારો બની રહી છે. સોસાયટીના વિકાસ અને સભાસદલક્ષી કામગીરીમાં યોગદાન આપનાર ચેરમેન, મંત્રી, સહમંત્રી તથા કારોબારી સભ્યોને સભાસદો વતી બિરદાવવાની તક મળતાં ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
