<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ૯ નવેમ્‍બરે રજા જાહેર કરવાની માગઃ દિવાળીમાં મળી શકે સળંગ ૪ દિવસની રજા

ગુજરાત રાજ્‍ય કર્મચારી મહામંડળે રાજ્‍ય સરકાર સમક્ષ ૯ નવેમ્‍બર, સોમવારના રોજ જાહેર રજા જાહેર કરવાની માગણી કરી

અમદાવાદ,તા.૨૮: દિવાળીના તહેવારો દરમિયાન પરિવાર સાથે સમય વિતાવવા અને પર્વની ઉજવણી માટે સરકારી કર્મચારીઓમાં રજાને લઈને ચર્ચા શરૂ થઈ છે. ગુજરાત રાજ્‍ય કર્મચારી મહામંડળે રાજ્‍ય સરકાર સમક્ષ ૯ નવેમ્‍બર, સોમવારના રોજ જાહેર રજા જાહેર કરવાની માગણી કરી છે. જો સરકાર આ માગ સ્‍વીકારી લે તો સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને દિવાળી દરમિયાન સળંગ ૪ દિવસની રજાનો લાભ મળી શકે છે.

દિવાળીના તહેવારો દરમિયાન પરિવાર સાથે સમય વિતાવવા અને પર્વની ઉજવણી માટે સરકારી કર્મચારીઓમાં રજાને લઈને ચર્ચા શરૂ થઈ છે. ગુજરાત રાજ્‍ય કર્મચારી મહામંડળે રાજ્‍ય સરકાર સમક્ષ ૯ નવેમ્‍બર, સોમવારના રોજ જાહેર રજા જાહેર કરવાની માગણી કરી છે. જો સરકાર આ માગ સ્‍વીકારી લે તો સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને દિવાળી દરમિયાન સળંગ ૪ દિવસની રજાનો લાભ મળી શકે છે. આ માટે મહામંડળ દ્વારા સરકારને આવેદનપત્ર પણ આપવામાં આવ્‍યું છે.

આ વખતે રજાના દિવસો વચ્‍ચે એક દિવસ એવો આવે છે, જ્‍યારે સરકારી કચેરીઓ ચાલુ રહેવાની છે. ૮ નવેમ્‍બરે રવિવાર હોવાથી સરકારી કચેરીઓમાં સાપ્તાહિક રજા રહેશે. ત્‍યારબાદ ૯ નવેમ્‍બરે સોમવારે હાલના રજાના કેલેન્‍ડર મુજબ કચેરીઓ ચાલુ રહેવાની છે. જ્‍યારે ૧૦ નવેમ્‍બરે નૂતન વર્ષ અને ૧૧ નવેમ્‍બરે ભાઈબીજ નિમિત્તે જાહેર રજા છે. આવી સ્‍થિતિમાં વચ્‍ચેના એક દિવસની રજા જાહેર કરવામાં આવે તો કર્મચારીઓને સતત ૪ દિવસ સુધી રજાનો લાભ મળી શકે છે.

ગુજરાત રાજ્‍ય કર્મચારી મહામંડળે રજૂઆતમાં જણાવ્‍યું છે કે દિવાળીના પર્વ દરમિયાન અનેક કર્મચારીઓ પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા તથા વતન જવા ઇચ્‍છતા હોય છે. સતત રજા મળવાથી તેમને મુસાફરીનું આયોજન કરવામાં અને પરિવારજનો સાથે સમય પસાર કરવામાં સરળતા રહેશે. ખાસ કરીને દૂરના વિસ્‍તારોમાં રહેતા કર્મચારીઓ માટે વધારાની રજા ઉપયોગી સાબિત થઈ શકે છે. આથી પંચાયત વિભાગ, રાજ્‍ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ અને નિગમોમાં પણ ૯ નવેમ્‍બરે રજા જાહેર કરવાની માગ કરવામાં આવી છે.

હવે કર્મચારીઓની આ રજૂઆત અંગે રાજ્‍ય સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. જો સરકાર દ્વારા ૯ નવેમ્‍બરે રજા જાહેર કરવામાં આવશે તો દિવાળીના રજાકીય કાર્યક્રમમાં સતત ચાર દિવસનો વિરામ મળી શકે છે. જોકે, હાલ આ અંગે કર્મચારી મહામંડળે માત્ર માગણી કરી છે અને સરકાર તરફથી રજા જાહેર કરવાનો સત્તાવાર નિર્ણય લેવાયો હોવાની પુષ્ટિ નથી. તેથી કર્મચારીઓએ અંતિમ નિર્ણય માટે સરકારની સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.

(9:56 AM IST)