<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

સુરત જવેલરી બજારમાં ૭૦થી ૮૦% માંગ ઘટી

ડાયમંડ અને ટેક્‍સ્‍ટાઈલ બાદ હવે જવેલરી ઉધોગમાં પણ મંદીનો માહોલ : સોનાની આયાત ડયૂટીમાં વધારો અને ખરીદી ટાળવાની અપીલની સીધી અસર

સુરત,તા.૪: દેશમાં ચાલી રહેલી આર્થિક અનિヘતિતા, સોનાની આયાત ડ્‍યૂટીમાં થયેલો વધારો અને વડાપ્રધાન દ્વારા એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા માટે કરાયેલી અપીલની સીધી અને નકારાત્‍મક અસર હવે જવેલરી ઉદ્યોગ પર દેખાવા લાગી છે. સુરતના મુખ્‍ય એવા ડાયમંડ અને ટેક્‍સટાઈલ ઇન્‍ડસ્‍ટ્રીમાં પહેલેથી જ મંદીનો માહોલ હોવાથી લોકોની ખરીદશક્‍તિ તળિયે બેસી ગઈ છે. દરમિયાન સોનાની ખરીદી ન કરવા માટેની અપીલ બાદ જવેલરી બજારમાં ડિમાન્‍ડ સીધી ૭૦થી ૮૦ ટકા જેટલી ઘટી ગઈ છે. જેના કારણે સ્‍થાનિક નાના-મોટા જવેલર્સમાં ભારે ચિતા વ્‍યાપી ગઈ છે.

હાલમાં જવેલરી માર્કેટમાં માંડ ૨૦થી ૩૦ ટકા જેટલી થરાકી જોવા મળી રહી છે. આ ગ્રાહકો પણ માત્ર એવા જ છે જેમને અત્‍યંત અનિવાર્ય જરૂરિયાત હોય અથવા તો જેઓ જૂના સોનાનું રિસાઈકિલંગ કરાવવા માગતા હોય. હાલમાં લગ્નસરાની સિઝન પણ પૂર્ણ થઈ ચૂકી છે, જેથી બજાર સાવ સૂમસામ ભાસી રહ્યું છે. વર્તમાન આર્થિક સંજોગો જોતા આગામી ચાર મહિના પછી બજારમાં કોઈ મોટી મૂવમેન્‍ટ કે સુધારો થાય એવી જવેલર્સ આશા રાખી રહ્યા છે. વેપારીઓના મતે જો આ પ્રકારની પ્રતિકૂળ પરિસ્‍થિતિ લાંબા સમય સુધી ચાલશે તો, આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં મોટા પાયે રોજગારીના પ્રશ્નો ઊભા થવાની ભીતિ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

રોજગારી બચાવવા સરકાર સમક્ષ રજૂઆત કરાશે

વૈશ્વિક સ્‍તરે યુદ્ધની સ્‍થિતિ અને લોકોની ઘટતી ખરીદશક્‍તિને લીધે બજારમાં પહેલાથી જ ૪૦ ટકા જેટલી ઘરાકી ડાઉન હતી. ત્‍યારબાદ બીજો ૩૦થી ૪૦ ટકાનો મોટો ઘટાડો થઈ ગયો છે. હાલની પરિસ્‍થિતિ જોતા જવેલરી ઇન્‍ડસ્‍ટ્રીમાં રોજગારીનો બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ શકે તેમ છે. સુરતની વાત કરીએ તો આ ઉદ્યોગ સાથે પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે અઢીથી ત્રણ લાખ લોકો સંકળાયેલા છે, જેમની રોજીરોટી જોખમમાં આવી શકે છે. જેથી કારીગરો અને સ્‍ટાફની રોજગારી બચાવવાની દિશામાં યોગ્‍ય પગલાં લેવામાં આવે તે માટે સરકાર સમક્ષ સત્તાવાર રજુઆત કરવામાં આવશે.

શોરૂમના ખર્ચા અને સ્‍ટાફનો પગાર કાઢવો પણ મુશ્‍કેલ બન્‍યો

સુરતમાં નાના-મોટા આશરે ૨૫૦૦થી ૩૦૦૦ જેટલા જવેલરી શોરૂમ આવેલા છે, જ્‍યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ આંકડો ૩૫૦૦થી ૪૦૦૦ સુધીનો છે. હાલની ભયંકર મંદીની સ્‍થિતિમાં જ્‍વેલર્સ માટે શોરૂમનું લાઈટબિલ, મેન્‍ટેનન્‍સ અને સ્‍ટાફનો પગાર ચુકવવો પણ લોઢાના ચણા ચાવવા સમાન બન્‍યો છે. ગ્રાહકોને આકર્ષવા માટે જવેલર્સે દાગીનાના મજુરી દરમાં મોટો ઘટાડો કર્યો હોવા છતાં બજારમાં કોઈ ખાસ ચળવળ જોવા મળી રહી નથી અને શોરૂમો ખાલીખમ પડયા છે.

બજારમાં લાઈટવેટ જવેલરી અને રિસાઈક્‍લિંગની જ બોલબાલા

વર્તમાન સમયમાં જવેલર્સ પાસે જે ગણ્‍યાગાંઠ્‍યા ગ્રાહકો આવી રહ્યા છે. તેમાં મોટો હિસ્‍સો સોનાનું રિસાઈક્‍લિંગ કરાવનારા અથવા અત્‍યંત જરૂરી હોય તેટલી જ ખરીદી કરનારાઓનો છે. સોનાના આસમાને પહોંચેલા ભાવ અને મર્યાદિત બજેટના કારણે ગ્રાહકો ભારે દાગીના ખરીદવાનું સાવ ટાળી રહ્યા છે. હાલમાં બજારમાં માત્ર લાઈટવેટ (હલકા વજનની) જવેલરીની જ ડિમાન્‍ડ છે, જેથી ગ્રાહકો ઓછા બજેટમાં પોતાની જરૂરિયાત પુરી કરી શકે છે. હાલના માહોલમાં બજેટ અનુસાર લોકોમાં ૯, ૧૪ અને ૧૮ કેરેટની જવેલરીની ડિમાન્‍ડ વધી રહી છે.

(10:02 AM IST)