News of Monday, 29th June 2026
શાળા પરિસરમાં કોઈપણ જર્જરિત વર્ગખંડો અથવા ભયજનક બાંધકામોને તાત્કાલિક અસરથી તોડી પાડવા: સુરત DEO દ્વારા કડક ગાઇડલાઇન જાહેર
વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવા, વીજળીના ખુલ્લા વાયરોનું સમારકામ કરવા તથા ડ્રેનેજ સાફ રાખવા આદેશ:ભારે વરસાદમાં વિદ્યાર્થીઓની સુરક્ષિત ઘરવાપસી સુનિશ્ચિત કરવાની રહેશે, અન્યથા કડક શિસ્તભંગના પગલાં લેવાશે.

સુરતના જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે કે શાળા પરિસરમાં આવેલા કોઈપણ જર્જરિત વર્ગખંડો અથવા ભયજનક બાંધકામોને તાત્કાલિક અસરથી તોડી પાડવામાં આવે. વરસાદ દરમિયાન અકસ્માતની કોઈ સંભાવના ન રહે તે માટે આ આદેશનું પાલન કરવું ફરજિયાત છે.
નવા નિયમો અનુસાર શાળા સંચાલકોએ પોતાના કેમ્પસમાં આવેલા વૃક્ષોની પણ ચકાસણી કરવાની રહેશે. જો કોઈ વૃક્ષની ડાળીઓ જોખમી હોય અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હોય, તો તેને ચોમાસું શરૂ થાય તે પહેલાં જ કાપીને દૂર કરવા માટે જણાવાયું છે.
આ ઉપરાંત, શાળાના મેદાનમાં કે ઇમારતમાં ક્યાંય પણ વીજળીના ખુલ્લા વાયરો ન રહે તેની ખાતરી કરવા અને તેનું તાત્કાલિક સમારકામ કરાવવા સખત સૂચના આપવામાં આવી છે, જેથી શોર્ટ સર્કિટ કે કરંટ લાગવાનો ભય ટાળી શકાય.
વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરજન્ય રોગો ન ફેલાય તે માટે શાળાની નિયમિત સફાઈ અને ડ્રેનેજ સિસ્ટમની ચકાસણી કરવા કહેવાયું છે. સૌથી મહત્વની બાબત એ છે કે, ભારે વરસાદની સ્થિતિમાં જ્યારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે ત્યારે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચે તેની સંપૂર્ણ જવાબદારી શાળા વહીવટી તંત્રની રહેશે.
DEO એ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
