News of Monday, 26th October 2026
રાષ્ટ્રીય એકતા પરેડ પહેલાં એકતાનગરમાં ડેન્ગ્યુનો કહેર : BSFના 21 જવાનો ડેન્ગ્યુ પોઝિટિવ: આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ
રાષ્ટ્રીય એકતા પરેડની તૈયારીઓ અને પરેડમાં ભાગ લેવા માટે દેશના વિવિધ ભાગોમાંથી સુરક્ષાદળોની ટુકડીઓ એકતાનગર આવી: આસામથી એકતાનગર પહોંચેલી BSFની ટુકડીમાં ડેન્ગ્યુનો મોટો વિસ્ફોટ થતાં તંત્ર હરકતમાં આવ્યું

નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે 31 ઓક્ટોબરે આયોજિત થનારી રાષ્ટ્રીય એકતા પરેડ પહેલાં આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. રાષ્ટ્રીય એકતા પરેડની તૈયારીઓ અને પરેડમાં ભાગ લેવા માટે દેશના વિવિધ ભાગોમાંથી સુરક્ષાદળોની ટુકડીઓ એકતાનગર આવી રહી છે. આ દરમિયાન આસામથી એકતાનગર પહોંચેલી BSFની ટુકડીમાં ડેન્ગ્યુનો મોટો વિસ્ફોટ થતાં તંત્ર હરકતમાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને પરેડમાં ભાગ લેવા માટે આસામથી 40 જવાનોની એક વિશેષ BSF ટુકડી એકતાનગર આવી હતી. અહીં આવ્યા બાદ એક પછી એક જવાનોને સખત તાવ આવવાની અને શારીરિક અસ્વસ્થતાની ફરિયાદો સામે આવી હતી. જવાનોની તબિયત લથડતાં આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી તેમના બ્લડ સેમ્પલ લઈને લેબોરેટરી તપાસ કરાવવામાં આવી હતી. તપાસના રિપોર્ટ આવતાં જ 40માંથી 21 જવાનો ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
ડેન્ગ્યુના કેસ મોટી સંખ્યામાં સામે આવતાં જ તમામ સંક્રમિત જવાનોને તાત્કાલિક ધોરણે એકતાનગર સ્થિત ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. ટ્રોમા સેન્ટરમાં તબીબોની વિશેષ ટીમ દ્વારા જવાનોને સઘન સારવાર આપવામાં આવી રહી છે અને દરરોજ તેમના રક્તના નમૂના લઈને પ્લેટલેટ્સ તેમજ આરોગ્યની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય તંત્ર દ્વારા જવાનો રોકાયા છે તે સ્થળે મચ્છરજન્ય ઉપદ્રવ અટકાવવા માટે ફોગિંગ અને દવાનો છંટકાવ સહિતના સાવચેતીના પગલાં પણ શરૂ કરી દેવાયા છે.
આ ઘટનાને પગલે આગામી 31 ઓક્ટોબરે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં આ જવાનો ભાગ લઈ શકશે કે નહીં તે અંગે હાલ ચિંતાના વાદળો ઘેરાયા છે. જોકે, તબીબોના જણાવ્યા અનુસાર જવાનોની સારવાર ચાલી રહી છે અને જો આગામી દિવસોમાં તેમના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થશે, તો તેઓ પરેડમાં જોડાઈ શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
