તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
વેપારીઓએ વેટ નંબર લેવા માટે ચૂકવેલા નાણાં પરત કરવામાં વિભાગની ઉદાસીનતા
જીએસટી પહેલા વેટ નંબર લેવા ૨૦ હજાર રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા : બે વર્ષ બાદ તે નાણાં વિના વ્યાજે પરત કરવા માટેનો નિયમ બનાવાયો હતો

સુરત,તા.૪: જીએસટીનો કાયદો આવ્યો તે પહેલા રાજ્ય સરકારનો ટેક્સ વસૂલ કરવા માટે વેટ નંબર લેવો પડતો હતો. તેમાં ૨૦ હજાર રૂપિયાની રકમ ભરપાઈ કરીને નંબરની ફાળવણી કરવામાં આવતી હતી. આ નંબર લેવામાં આવ્યાના બે વર્ષ બાદ વસૂલ કરવામાં આવેલા નાણાં વિના વ્યાજે પરત કરી દેવાનો નિયમ વેટ વિભાગ દ્વારા જ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ તે નાણાં પરત કરવામાં ઉદાસીનતા સેવાઈ રહી છે.
વેટ નંબર લેતી વખતે વેપારીએ ચલણ મારફતે નાણાં જમા કરાવવા પડતા હતા. તેમાં ચાર ચલણ બનાવવામાં આવતા હતા. તે પૈકી બે ચલણ બેંક જમા રાખતી હતી જયારે એક ચલણ વેપારી વિભાગમાં જમા કરાવતી અને એક ચલણ પોતાની પાસે રાખતા હોય છે. નંબર વિધાના બે વર્ષ બાદ વિભાગ પાસે તે નાણાં પરત માંગે તો તેને પરત આપી દેવામાં આવતા હોય છે, પરંતુ અનેક એવા વેપારીઓ છે કે જેને નાણાં ભરપાઈ કર્યા બાદ લેવાનું ભૂલી ગયા છે અથવા તો ચલણ ખોવાય ગયું હોય. આવા વેપારીઓને આજાદિન સુધી તેઓના નાણાં વિભાગમાં જમા છે તેની જાણ સુધ્ધાં નથી. ત્યારે વિભાગ પાસે તો વેપારીઓના નાણાં જમા છે તેનો રેકોર્ડ છે જ. પરંતુ તે નાણાં પરત કરવાની ઝંઝટમાં પડવા માંગતા નહીં હોવાના લીધે નાણાં વપરાયા વિના પડી રહ્યા છે. જેથી વિભાગ દ્વારા આવા નાણાં પરત કરવાની કાર્યવાહી કરે તો અનેક વેપારીઓને તેની જાણ સુધ્ધાં થઈ શકે તેમ છે. તેમજ વેપારીઓ પાસે પુરાવા નહીં હોય તો એફિડેવિટ લઇને પણ તે નાણાં પરત કરી શકાય તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.
સરકારી નાણાં વસૂલાત માટે બેંક ખાતા સીઝ કરવા સુધીની કાર્યવાહી
વેપારીઓના નાણા વિભાગ પાસે જમા હોય તો તેને પરત કરવામાં ઉદાસીનતા સેવવામાં આવતી હોય છે. જ્યારે સરકારી તંત્રએ કોઈની પણ પાસે નાણાંની વસુલાત કરવાની હોય તો નોટિસ પર નોટિસ આપવા ઉપરાંત તેઓના બેંક ખાતા સીઝ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેથી આ નીતિમાં પણ સુધારો કરવામાં આવે તો વેપારીઓને ઘણી રાહત થઇ શકે તેમ છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
