<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

જળાશયોના ઘટતા નીરઃ ૧૧૧ ડેમોમાં ૨૫%થી ઓછું પાણી

કચ્‍છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો ખાલીખમ : ૨૦૬ જળાશયોમાં સરેરાશ જળસ્‍તર ૫૧ ટકા નોંધાયું ચોમાસું ખેંચાશે તો જળસંકટ ઘેરું બનવાની ભીતિ

અમદાવાદ,તા.૧૦: ગુજરાતમાં ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્‍યારે જળાશયોના ઘટતા જળસ્‍તરે ચિંતા વધારી છે. રાજ્‍યના ૨૦૬માંથી ૧૧૧ જળાશયોમાં જળસ્‍તર ૨૫ ટકાથી ઓછું છે. રાજ્‍યમાં સરેરાશ જળસ્‍તર ૫૧ ટકા છે જ્‍યારે ૭૦ ટકાથી ૯૦ ટકા વચ્‍ચે જળસ્‍તર હોય તેવા માત્ર ૯ જળાશય છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર  ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્‍ચે જળસ્‍તર હોય તેવું માત્ર એક જળાશય છે. ૮૦ ટકાથી ૯૦ ટકા વચ્‍ચે હોય તેવા ૩, ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્‍ચે હોય તેવા પાંચ, ૫૦ ટકાથી ૭૦ ટકા વચ્‍ચે હોય તેવા ૩૧ જ્‍યારે ૨૫ ટકાથી ૭૦ ટકા વચ્‍ચે હોય તેવા ૫૫ જળાશયો છે. આમ,  ૨૦૬માંથી ૧૬૬ જળાશયોમાં જળસ્‍તર ૫૦ ટકાથી પણ ઓછું છે.

૮૦ ટકાથી વધુ જળસ્‍તર હોય તેમાં રાજકોટના આજી-૨, મહીસાગરના વણાકબોરી, ભાવનગરના રંઘોલા-હાનોલનો સમાવેશ થાય છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્‍છમાં સૌથી ઓછું ૨૯.૩૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૧.૩૧ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૪૦.૨૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૪૩.૫૩ ટકા, મધ્‍ય ગુજરાતમાં ૫૩.૧૨ ટકા જેટલું જળસ્‍તર છે. રાજ્‍યની જીવાદોરી સમાન સરદારસરોવરમાં ૬૮ ટકા જળસ્‍તર છે.

ચોમાસું ખેંચાય તો જળસંકટ ઘેરું બનવાની ભીતિ સેવાઈ રહી છે. અલબત્ત, જળસંપત્તિ વિભાગના દાવા પ્રમાણે રાજ્‍યમાં જળનો પૂરતો જથ્‍થો છે અને જળસંકટ સર્જાવાની કોઈ સંભાવના નથી. 

ગુજરાતના જળાશયોમાં જળસ્‍તર

રીજિયન     જળાશયો   જળસ્‍તર

ઉત્તર ગુજરાત          ૧૫    ૪૩.૫૫%

મધ્‍ય ગુજરાત           ૧૭    ૫૩.૧૨%

દક્ષિણ ગુજરાત         ૧૩    ૪૦.૨૪%

કચ્‍છ        ૨૦        ૨૯.૩૯%

સૌરાષ્ટ્ર      ૧૪૧      ૩૧.૩૧%

સરદાર સરોવર         ૬૮.૦૧%

નર્મદાની નહેરોમાં ૧૧ જૂનથી પાણી

છોડાશે, ખરીફ પાકના ખેડૂતોને ફાયદો

ખેડૂતોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવતા આગામી ૧૧ જૂનથી નર્મદાની નહેરોમાંથી સિચાઈ માટે પાણી છોડવામાં આવશે. સામાન્‍ય આયોજન કરતાં વહેલા પાણી છોડવાના આ નિર્ણયને કારણે ખરીફ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતોને મોટી રાહત મળશે.નર્મદા કમાન્‍ડ વિસ્‍તારના સ્‍થાનિક ધારાસભ્‍યો અને સાંસદો દ્વારા ખેડૂતોની જરૂરિયાતને ધ્‍યાનમાં રાખીને વહેલું પાણી છોડવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને પગલે મુખ્‍યમંત્રીના અધ્‍યક્ષ સ્‍થાને નર્મદા યોજનાના વરિ અધિકારીઓ સાથે એક ઉચ્‍ચ સ્‍તરીય બેઠકની આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં યોજનામાં ઉપલબ્‍ધ પાણીના જથ્‍થાની ઝીણવટભરી સમીક્ષા કર્યા બાદ આ સકારાત્‍મક નિર્ણય લેવાયો હતો.

(10:05 AM IST)