<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

સુરત SVNIT ખાતે ઈ-રક્ષક હેકેથોનના ગ્રાન્ડ ફિનાલેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ : 6 રાજ્યોના 150 વિદ્યાર્થીઓના સાયબર સોલ્યુશન નિહાળ્યા

ગુજરાતના તમામ CCTV એક જ ડેશબોર્ડ પર લાવવાનું સ્વપ્ન, સ્ટાર્ટઅપ માટે સરકાર રિસ્ક પાર્ટનર બનશે: હર્ષ સંઘવી, યુવાનોના ટેક-રિસર્ચનો ઉપયોગ FIR અને સાયબર ક્રાઈમ ઉકેલવામાં થશે

સુરત તા.૧૦ :શહેર પોલીસ અને સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) ના NEXUS યુનિટ દ્વારા આયોજિત ઈ-રક્ષક હેકેથોનના ગ્રાન્ડ ફિનાલેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.

 

આ હેકેથોનમાં દેશના 6 રાજ્યોની 13થી વધુ યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોની 31 ટીમોના 150થી વધુ વિદ્યાર્થીઓએ સાયબર સિક્યુરિટી અને ડિજિટલ પડકારો સામેના સોલ્યુશન માટે પ્રોટોટાઈપ મોડલ્સ રજૂ કર્યા હતા, જેને નાયબ મુખ્યમંત્રીશ્રીએ નિહાળ્યા હતા.

 

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી જેટલી ઉપયોગી છે તેટલા જ પડકારો પણ સર્જે છે. વડાપ્રધાનશ્રીના વિઝન મુજબ હાર્ડવેરને બદલે સોફ્ટવેર આધારિત સસ્ટેનેબલ સોલ્યુશન પર ભાર મુકી રહ્યા છીએ. ટ્રાફિકમાં માત્ર 15 સેકન્ડ બચાવીને લાખો લોકોનો સમય અને ઈંધણ બચાવી શકાય તે માટે AI અને કેમેરા ઇન્ટિગ્રેશન મહત્વનું છે.

 

તેમણે પોતાનું સ્વપ્ન વ્યક્ત કરતા કહ્યું કે, *ગુજરાતના તમામ CCTV કેમેરાને એક જ ડેશબોર્ડ પર જોડવા* માંગીએ છીએ. સાથે જ યુવાનોને સરકારની સ્ટાર્ટઅપ પોલિસી, MSME અને સાયન્સ એન્ડ ટેકનોલોજી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે, *યુવાનોના વિચારોને જમીન પર ઉતારવા સરકાર 'રિસ્ક પાર્ટનર' તરીકે સાથે ઉભી છે.* આ ટેક સોલ્યુશન્સનો ઉપયોગ આવનારા દિવસોમાં FIR અને સાયબર ક્રાઈમ ઉકેલવાની સરકારી પ્રક્રિયામાં કરવામાં આવશે.

 

પોલીસ કમિશનર વાબાંગ જમીરે જણાવ્યું કે, ઈ-રક્ષક હેકેથોનનો મુખ્ય હેતુ સાયબર ક્રાઈમને નાથવા અને ડિજિટલ સુરક્ષા માટે વિદ્યાર્થીઓ પાસેથી નવીન ટેકનોલોજીકલ સોલ્યુશન મેળવવાનો છે. DCP સાયબર ક્રાઈમ વિશાખા જૈને જણાવ્યું કે, પોલીસ સ્ટેશનોમાં સર્વે કરીને નાગરિકોની રોજિંદી મુશ્કેલીઓને ધ્યાને રાખીને 9 થી 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ નક્કી કરાયા હતા, જેમાં 458 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

 

આ પ્રસંગે રેન્જ IG પ્રેમવીરસિંઘ, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, મ્યુ. કમિશનર રાજકુમાર બેનીવાલ, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, ક્રાઈમના અધિક પોલીસ કમિશનર ડો. કરણરાજ વાઘેલા, SVNITના ડિરેક્ટર પ્રો. અનુપમ શુક્લા સહિત વરિષ્ઠ અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:18 PM IST)