News of Wednesday, 29th July 2026
કોમનવેલ્થ ગેમ્સના આયોજન સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ડેલિગેશન સાથે ગ્લાસગોની મુલાકાતે
હર્ષ સંઘવી આ વખતે 11 લોકોના ડેલીગેશન સાથે ગ્લાસગો પહોંચ્યા:એપીએસ વિક્રાંત પાંડે પણ શામેલ થયા:બેઠકોમાં ભાગ લીધા બાદ હર્ષ સંઘવી ડેલીગેશન સાથે 3 ઓગ્સટના રોજ પરત આવશે.

ગુજરાતને વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજન સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાલ ગ્લાસગોની મુલાકાતે છે. હર્ષ સંઘવી આ વખતે 11 લોકોના ડેલીગેશન સાથે ગ્લાસગો પહોંચ્યા છે જેમાં એપીએસ વિક્રાંત પાંડે પણ શામેલ થયા છે. આ બેઠકોમાં ભાગ લીધા બાદ હર્ષ સંઘવી ડેલીગેશન સાથે 3 ઓગ્સટના રોજ પરત આવશે.
ગુજરાતમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ આયોજીત થવા જઈ રહી છે. આ અંગેની સંપૂર્ણ જવાબદારી નાયબ મુખ્યમંત્રી અને રમતગતમ મંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજન સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ડેલીગેશન સાથે સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે ગયા છે જ્યાં તેઓ વિવિધ પ્રકારની બેઠકોમાં ભાગ લેવાના છે. કોમનવેલ્થ ગેમ્સના યજમાન દેશ તરીકે ભારતે અનેક તૈયારીઓ કરવાની થાય છે જેમાં સૌથી પહેલા સ્વચ્છતાનો મુદ્દો પણ અગ્રેસર છે. જેના પગલે આ વખતે મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમાં સ્વચ્છતાનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સના આયોજન પહેલા અમદાવાદ સહિત રાજ્યભરમાં વૈશ્વિક કક્ષાની સવલતો અને માળખા ઊભા કરવાની દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરુપે હવે આગામી દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યભરના શહેરોમાં સ્વચ્છતાને પ્રાધાન્ય અપાશે તેમાં બેમત નથી.
સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમની સાથેનું ડેલીગેશન બેક ઓફિસ મેનેજમેન્ટથી માંડીને ગેમ ડિલીવરી પ્લાન સહિતના મુદ્દે બેઠકો કરી રહ્યા છે. એક આયોજક દેશ તરીકે વર્ષ 2030માં સારામાં સારી સ્પોર્ટ્સ ડિલીવરી કેવી રીતે કરી શકાય તે માટે ગ્લાસગો ખાતે બીજી ઓગસ્ટ સુધી ટ્રેનિંગ સેશનથી માંડીને ડિપ્લોમેટીક સેશનમાં આ ડેલીગેશન ભાગ લેશે. આ સમયગાળા દરમિયાન સ્કોટલેન્ડ ઈન્ડીયા બિઝનેસ સમીટ પણ આયોજીત થવા જઈ રહી છે જેમાં પણ ડેલીગેશન ભાગ લેશે. અમદાવાદમાં જ્યારે કોમનવેલ્થનું વર્ષ 2030માં આયોજન થાય ત્યારે સ્પોર્ટ્સ વેન્યુ, પાર્કિંગ સુવિધા, ઉત્કૃષ્ટ સ્પોર્ટ્સ ડિલીવરી, ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા સહિતના નિયમોના આયોજન માટે કોમનવેલ્થ કમિટી સાથે આ ડેલીગેશન ઓબ્ઝર્વેશન સેશનમાં ભાગ લેશે. બીજી ઓગસ્ટના રોજ ભારતને ઓફિશીયલ હોસ્ટ તરીકે બેટન અપાશે જેમાં પણ નાયબ મુખ્યમંત્રી ભાગ લેશે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
