<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

ડાંગના આહવા અને તાપીના ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિકાસ સંકલ્પ સભા: આદિવાસી મતદારોને કર્યું આહ્વાન

“આદિવાસીઓની પવિત્ર ભૂમિએ ક્યારેય અંગ્રેજો સામે ઝૂકીને આત્મસમર્પણ નથી કર્યું”: હર્ષ સંઘવી, કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું- ‘પંજા’નો સફાયો કરી વિકાસયાત્રાને નવી ગતિ આપો; ભાજપા આદિવાસી કલ્યાણ માટે કટિબદ્ધ

આહવા/ઉચ્છલ, તા.૧૮ : નાયબ મુખ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીએ ડાંગ જિલ્લાના આહવા તથા તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે ભાજપા ઉમેદવારોના સમર્થનમાં ‘વિકાસ સંકલ્પ સભા’ને સંબોધી હતી. આદિવાસી મતદારોને સંબોધતા તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપા તરફી ઐતિહાસિક પરિણામ લાવવા આહ્વાન કર્યું હતું.

 

સભાને સંબોધતા  હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે આદિવાસીઓની પવિત્ર ભૂમિએ ક્યારેય અંગ્રેજો સામે ઝૂકીને આત્મસમર્પણ નથી કર્યું. અહીંના રાજાઓએ અંગ્રેજોને પરસેવો છોડાવી દીધો હતો. સંસ્કૃતિને ભ્રષ્ટ કરતા ધર્માંતરણ અને કુરિવાજો સામે આદિવાસીઓ મક્કમતાથી લડી રહ્યાં છે.

 

કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ, દેશની આઝાદી અને રાષ્ટ્રહિતમાં આપેલા બહુમૂલ્ય યોગદાનને ભુલાવી દેનાર કોંગ્રેસને આદિવાસી ભાઈ-બહેનોએ ઉખાડી ફેંકવાનું કાર્ય કર્યું છે. કોંગ્રેસના શાસનમાં બહેનોએ પીવાના પાણી માટે કિલોમીટરો સુધી ભટકવું પડતું હતું, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ‘નલ સે જલ’ યોજના દ્વારા ઘરે-ઘરે પાણી પહોંચાડ્યું છે.

 

તેમણે ઉમેર્યું કે ભાજપા સરકાર અનેકવિધ યોજનાઓ અને વિકાસ પ્રકલ્પો દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આદિવાસી કલ્યાણ અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ વિસ્તારના નાગરિકોને મોટો લાભ થયો છે. ‘લખપતિ દીદી’ યોજના થકી બહેનોને રોજગારી મળી રહી છે અને ગામેગામ શિક્ષણની નવી વ્યવસ્થા ઊભી થઈ છે.

 

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બિરદાવતા શ્રી સંઘવીએ કહ્યું કે આ વિસ્તારના ખેડૂતોને કારણે આજે લાખો પરિવારોને રસાયણમુક્ત અનાજ અને શાકભાજી મળી રહ્યા છે. કમોસમી વરસાદમાં ખેડૂતોને આર્થિક સહાય આપી ભાજપા સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહી છે.

 

અંતમાં તેમણે કોંગ્રેસના ‘પંજા’નો પ્રત્યેક ગામમાંથી સફાયો કરી ભાજપા તરફી ઐતિહાસિક પરિણામ લાવી આદિવાસી વિસ્તારની વિકાસયાત્રાને નવી ગતિ આપવા નાગરિકોને આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ, ભાજપા આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતભાઇ વસાવા, ડાંગ અને તાપી જિલ્લા ભાજપા પ્રમુખશ્રીઓ સહિત સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(5:15 PM IST)