News of Saturday, 21st November 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વતન બલોધરની લાગણીસભર મુલાકાત: પિતાની સ્મૃતિમાં જીર્ણોદ્ધાર કરાયેલું મંદિર ગ્રામજનોને અર્પણ કર્યું
પૈતૃક નિવાસસ્થાને પૂર્વજોના સંસ્મરણો વાગોળ્યા, ભીલડી, બલોધર, કાંકર અને રાધનપુરના સરપંચો તથા વડીલો સાથે બેઠક કરી વિકાસ કાર્યો અંગે આત્મીય સંવાદ સાધ્યો.

બનાસકાંઠા : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે બનાસકાંઠા જિલ્લામાં આવેલા પોતાના વતન બલોધર ગામની મુલાકાત લઈને પારિવારિક સંસ્મરણો વાગોળ્યા હતા તેમજ પિતાશ્રીની યાદો સાથે જોડાયેલા અને જીર્ણોદ્ધાર કરાયેલા મંદિરને સમસ્ત ગ્રામજનોને અર્પણ કર્યું હતું.
સત્તાવાર વિગતો મુજબ, પદના પ્રોટોકોલથી પર રહીને ગામના દીકરા તરીકે વતનની ધરતી પર પહોંચેલા નાયબ મુખ્યમંત્રીશ્રીનું ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું અને પારંપરિક સ્વાગત કરવામાં આવતાં સમગ્ર ગામમાં ઉત્સાહભર્યો માહોલ છવાઈ ગયો હતો.
મુલાકાત દરમિયાન શ્રી હર્ષ સંઘવીએ જ્યાં તેમના દાદા-દાદી અને પિતાનું બાળપણ વીત્યું હતું તેવા જૂના પૈતૃક ઘરની મુલાકાત લીધી હતી અને ગામના વિવિધ વિસ્તારોમાં ફરીને જૂના સાથીઓ તથા સ્મૃતિ સ્થળોની મુલાકાત લઈ પારિવારિક ઇતિહાસને તાજો કર્યો હતો.
આ અવસરે તેમણે ભીલડી, બલોધર, કાંકર અને રાધનપુરના સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચશ્રીઓ સહિત સ્થાનિક અગ્રણીઓ અને વડીલો સાથે વિશેષ બેઠક યોજીને ગામના ચોરે બેસી ગ્રામીણ જીવન, વિસ્તારના વિકાસ કાર્યો અને લોકોની સુખાકારી અંગે સહજ ભાવે ચર્ચા કરી હતી.
જે મંદિર પરિસરમાં તેમના પૂજ્ય પિતાશ્રીની વર્ષો જૂની બેઠક રહેતી હતી અને જ્યાં તેઓ ઈશ્વરભક્તિમાં લીન થતા, તે પવિત્ર મંદિરનું જીર્ણોદ્ધાર કાર્ય પૂર્ણ થતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ તેને ભક્તિભાવ અને વિકાસના પ્રતીક તરીકે ગ્રામજનોને સમર્પિત કર્યું હતું.
હવે વતનની આ મુલાકાત દરમિયાન સ્થાનિક અગ્રણીઓ અને સરપંચો સાથે થયેલી ચર્ચાના આધારે વિસ્તારના આગામી વિકાસ કાર્યો અને ગ્રામીણ સુખાકારીના આયોજનો પર સૌની નજર રહેશે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
