<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

વતનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો અનોખો અંદાજ : ભીલડીમાં દર્શન કર્યા, બલોધરમાં યજ્ઞમાં આહુતિ આપી, કાર્યકર્તાઓ સાથે માણ્યો કાઠિયાવાડી ભોજનનો સ્વાદ

વડનગરથી વતન બલોધર સુધીના પ્રવાસમાં સાદગી, દેશી અંદાજ અને ધાર્મિક આસ્થાના દર્શન, ગ્રામજનોએ પાઘડી પહેરાવી કર્યું ભવ્ય સ્વાગત

બનાસકાંઠા તા.૨૧ : રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે, જ્યાં મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં તેમની સાદગી, દેશી અંદાજ અને ધાર્મિક આસ્થાના દર્શન થયા હતા. વડનગરથી લઈને પોતાના વતન બલોધર સુધીના પ્રવાસ દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

મોડી રાત્રે વડનગર ખાતે આયોજિત તાનારીરી પ્રોગ્રામ પૂર્ણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મહેસાણા જિલ્લાના ખેરાલુ પાસે આવેલી એક હોટલમાં પહોંચ્યા હતા. અહીં તેમણે સાદગીપૂર્વક કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો. આ ભોજનમાં હર્ષભાઈ સંઘવીની સાથે પ્રવીણભાઈ માળી અને ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પણ જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ સાથે બેસીને દેશી ફૂડની લિજ્જત માણી હતી.

 

ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતાના પરિવાર સાથે માદરે વતન બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બલોધર ગામે પહોંચ્યા હતા. અગાઉ તેમણે ભીલડી ખાતે આવેલા જૈન દેરાસરમાં પરિવાર સાથે દર્શન કર્યા હતા. ભીલડીમાં સ્થાનિક લોકો સાથે તેમણે આત્મીય મુલાકાત પણ કરી હતી. આ દરમિયાન ભીલડીના એક વેપારીનો દીકરો દિવ્ય તેમને મળવા પહોંચ્યો હતો. હર્ષભાઈ સંઘવીએ દિવ્ય સાથે હળવાશભર્યા અંદાજમાં વાતચીત કરી હતી અને હસતા-હસતા કહ્યું હતું કે તું સરપંચ પાક્કો છે. તેમના આ સાદગીભર્યા વર્તનથી ત્યાં ઉપસ્થિત લોકોના ચહેરા પર સ્મિત ફરી વળ્યું હતું.

 

વતન બલોધર પહોંચીને હર્ષભાઈ સંઘવીએ પરિવાર સાથે નીલકંઠેશ્વર મહાદેવના મંદિરમાં આયોજિત યજ્ઞમાં સહભાગી થઈને આહુતિ આપી હતી. યજ્ઞ બાદ તેમણે મહાદેવના દર્શન કર્યા હતા અને મંદિર પર ધ્વજારોહણ કરીને રાજ્યની સુખાકારી માટે આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેઓ કાકર ખાતે સમોર માતાજીના મંદિરે દર્શન કરવા પણ ગયા હતા.

 

મંદિરમાં દર્શન-પૂજન કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બલોધર ગામના પૂર્વ સરપંચના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે ગામના અનેક આગેવાનો અને ગ્રામજનો સાથે આત્મીય મુલાકાત કરી હતી. પોતાના વતનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના આગમનને લઈને ગ્રામજનોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ગામના લોકોએ બનાસકાંઠાના પરંપરાગત પહેરવેશની પાઘડી પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

 

નાયબ મુખ્યમંત્રીના આગમનને પગલે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રૂટ તેમજ મંદિર પરિસરો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

(4:39 PM IST)