તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
ફલેટ, જમીનો, દાગીનાઓ, દસ્તાવેજો સહીત કરોડોની જમીન મૂળ માલિકોને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હસ્તે સુપ્રત
આણંદ જિલ્લા પોલીસ વડા ગૌરવ જસાણીના નેતૃત્વમાં પીઆઈ જે.એન. પરમાર સહિત સ્ટાફની ગૌરવરૂપ કામગીરી પર હર્ષભાઈ સંઘવી દ્વારા મોહફાટ પ્રશંસા

રાજકોટ, તા. ૪: ફલેટ, જમીનો, દાગીનાઓ, દસ્તાવેજો સહિત કરોડોની મિલકત મૂળ માલિકોને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સુપરત કરવામાં આવી હતી. આણંદ પોલીસની ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં છેતરપિંડી, વ્યાજખોરી અને અંધશ્રદ્ધાનો ભોગ બનેલા નાગરિકોને રૂ. ૨૬ લાખની કિંમતનો ફલેટ, રૂ. ૩૭ લાખથી વધુની રોકડ અને ચેક, ૭ વીઘા જમીન સહિત ૨ મકાન-દુકાનના અસલ દસ્તાવેજો તથા ૮ તોલા સોનું અને ૪૦૦ ગ્રામ ચાંદી સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યા હતા.૧. એક્સપોર્ટના બહાને ૨૬ લાખની છેતરપિંડીનો ફલેટ પરત.
મોરબી મૂળના અને હાલ બેડવા આણંદ ખાતે રહેતા વિજયભાઈ ભરડા સાથે ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધાના બહાને કલ્પેશભાઈ ચંદ્રકાંત જાનીએ રૂ. ૨૬ લાખની છેતરપિંડી કરી હતી અને તે રકમમાંથી વિદ્યાનગરમાં ફલેટ ખરીદીને ફરાર થઈ ગયો હતો. પેરોલ-ફર્લો સ્કોડના પીઆઈ જે.એન. પરમાર અને ટીમે આરોપીને શોધી કાઢીને અરજદારને તે ૨૬ લાખ રૂપિયાની કિંમતનો ફલેટ સફળતાપૂર્વક પરત અપાવ્યો હતો. ૨. વિધવા બહેનને ઉછીના આપેલા નાણાં પરત અપાવ્યા.
વિદ્યાનગર ખાતે રહેતા સ્વર્ગસ્થ પોલીસ ઇન્સ્પેક્ટરના વિધવા પત્ની પારૂલબેન પંડયા પાસેથી ગોપાલ ચોકડીના શ્રવણ અમરાજી પટેલે હાથ ઉછીના લીધેલા રૂ. ૮ લાખ પરત આપતા ન હતા. પોલીસે ત્વરિત દરમિયાનગીરી કરીને આરોપી પાસેથી રોકડા રૂ. ૪,૦૦,૦૦૦ તથા રૂ. ૩,૦૦,૦૦૦ના બેંક ચેક મેળવીને અરજદાર બહેનને પરત અપાવ્યા હતા. ૩. ધાર્મિક વિધિના બહાને પડાવેલા સોના-ચાંદીના દાગીના પરત.
જીટોડીયાના ગીતાબેન પાંડવને નારાયણબલી અને પિતળદોષની વિધિના બહાને અંધશ્રદ્ધામાં ફસાવીને આરોપી આતીષભાઈ ત્રિવેદી તથા પરિવારજનોએ આશરે ૫૬ તોલા જેટલા સોના-ચાંદીના દાગીના પડાવી લીધા હતા. પોલીસે અસરકારક કાઉન્સેલિંગ કરીને ૮ તોલા સોનાના ઘરેણાં અને ૪૦૦ ગ્રામ ચાંદી તુરંત પરત અપાવ્યા હતા તેમજ બાકીના ઘરેણાં પરત આપવા અંગે સામાવાળા પાસેથી નોટરી સમક્ષ બાંહેધરી લેવડાવી હતી. ૪. વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરવા જતા યુવકનો જીવ બચાવી ૭ વીઘા જમીનનો દસ્તાવેજ પરત.
તારાપુરના ધવલકુમાર પટેલ વ્યાજખોર સંજયભાઈ ભરવાડની પઠાણી ઉઘરાણી અને ત્રાસથી કંટાળીને તારાપુર મોટી નહેર ખાતે આત્મહત્યા કરવા જતા હતા. પોલીસે સમયસૂચકતા વાપરીને તેમનું કાઉન્સેલિંગ કર્યું અને આરોપી પાસેથી ૭ વીઘા ખેતીની જમીનનો અસલ ગીરો બાનાખત દસ્તાવેજ તથા રૂ. ૨ લાખનો ચેક સહિત ૭ સહી કરેલા કોરા ચેકો પરત અપાવ્યા હતા. આ ઉપરાંત ગેરકાયદે ઊંચા વ્યાજની ઉઘરાણી કરતા વ્યાજખોર મોહંમદસોહેલ વ્હોરા વિરુદ્ધ તારાપુર પોલીસે બીએનએસ તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી હતી. ૫. વ્યાજ વટાવમાં ગયેલા ઘર અને હોટલના દસ્તાવેજો તથા રૂ. ૨૮.૫૦ લાખના ચેકો પરત.
તારાપુરના રાકેશભાઈ પટેલે ગળહ વિભાગમાં કરેલી રજૂઆતના પગલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નવીનભાઈ ભરવાડ પાસેથી ઘરનો અસલ દસ્તાવેજ, પ્રકાશભાઈ પટેલ પાસેથી હોટલનો ગીરો ખત દસ્તાવેજ તેમજ અલગ અલગ સામાવાળાઓ પાસેથી કુલ રૂ. ૨૮,૫૦,૦૦૦ની કિંમતના ૯ ચેકો મેળવીને અરજદારને પરત અપાવ્યા હતા.૬. વિધવા મહિલાને ઉછીની આપેલી રકમ પરત અપાવી.
તારાપુરની શિવશક્તિ સોસાયટી ખાતે રહેતા વિધવા પારૂલબેન પટેલના સદગત પતિએ હિતેશભાઈ પટેલ અને મનીષભાઈ ચૌહાણને હાથ ઉછીના આપેલા નાણાં પરત ન મળતા ગળહ વિભાગ અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. તારાપુર પોલીસે હિતેશભાઈ પટેલ પાસેથી રૂ. ૧,૫૦,૦૦૦ રોકડા તુરંત પરત અપાવ્યા હતા અને અન્ય રકમ બાબતે પણ યોગ્ય પતાવટ કરાવીને વિધવા બહેનને મોટી આર્થિક રાહત અપાવી હતી
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
