<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

નડિયાદના ઉત્તરસંડા ખાતે સખી મંડળ અને ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો 'માતૃસંવાદ' કાર્યક્રમ યોજાયો

પીએમ આવાસ, ઇજ્જત ઘર, કિસાન સન્માન નિધિ તેમજ વીજ-પાણી જેવી યોજનાઓ થકી મહિલાઓના આર્થિક ઉત્થાન અને સ્વનિર્ભરતા અંગે સંવાદ કરાયો: નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત મહિલાઓ અને નગરજનોને 'સ્વચ્છ ભારત અભિયાન'માં સક્રિય સહયોગ આપવા આહવાન કર્યું

નડિયાદ:‘સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬’ અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ  સ્થિત ઉત્તરસંડા ખાતે સખી મંડળ અને ગૃહઉદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓ સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો 'માતૃસંવાદ' કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી ગાંધીનગરથી યુવા કાર્યકરો સાથે મોટરસાયકલ યાત્રા યોજી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા.
શ્રીજી પાપડ ગૃહઉદ્યોગ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન નારીશક્તિ અને મહિલાઓની સ્વનિર્ભરતાને બિરદાવતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “આ સેવા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગામેગામ જઈને વડીલોના આશીર્વાદ મેળવવાનો, સ્વચ્છતા અભિયાન ચલાવવાનો, ગૌસેવા કરવાનો તથા વૃદ્ધાશ્રમોમાં સેવા આપવાનો છે.”
તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ૨૫ વર્ષથી અવિરત ચાલી રહેલી સેવાકીય યાત્રાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ગરીબ પરિવારોને 'પીએમ આવાસ યોજના' અંતર્ગત મળેલાં પાકાં મકાનો, મહિલાઓના આત્મસન્માનનું રક્ષણ કરતાં ‘ઇજ્જત ઘર’ (શૌચાલય) તેમજ ખેડૂતોના ખાતામાં સીધા જમા થતા 'કિસાન સન્માન નિધિ'ના વાર્ષિક ₹૬,૦૦૦ જેવા નિર્ણયો સામાન્ય માનવીના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા છે.
તેમણે માતાઓ-બહેનોને સંબોધતાં કહ્યું હતું કે, એક સમય હતો જ્યારે ગામડાંઓમાં વીજળી કે સિંચાઈના પાણી માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. આજે પ્રત્યેક ગામ અને ખેતરે પાણી તેમજ ૨૪ કલાક વીજળી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પૂર્ણ થયું છે, જેના પરિણામે ગામડાં અને ખેતી સમૃદ્ધ બન્યાં છે. અંતમાં તેમણે ગામડાંઓને પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ બનાવવા સૌ નગરજનો તેમજ ઉપસ્થિત મહિલાઓને 'સ્વચ્છ ભારત અભિયાન'માં સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી.
આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, જિલ્લા પંચાયત પ્રમુખ હિતેશકુમાર ડાભી, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અગ્રણી સર્વ અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રીમતી નયનાબેન પટેલ, સુશ્રી જાહ્નવીબેન વ્યાસ, જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈ, એપીએમસી ચેરમેન અપૂર્વભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ અને પ્રાંત અધિકારી સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સખી મંડળની બહેનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(9:04 PM IST)