તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 2nd May 2026
ડભોઇ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી છતાં 'તોડજોડની રાજનીતિ' નો સ્પષ્ટ ડર !! :કોંગ્રેસે ચૂંટાયેલા 12 સભ્યોને અજ્ઞાતવાસમાં મોકલી દીધા
પક્ષપલટો અટકાવવા અને પોતાની બહુમતી જાળવી રાખવાના હેતુથી કોંગ્રેસે આ 'સેફ પેસેજ' વ્યૂહરચના અપનાવી

વડોદરા જિલ્લાની ડભોઇ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ પણ કોંગ્રેસ પક્ષમાં 'તોડજોડની રાજનીતિ' નો સ્પષ્ટ ડર જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના આગામી બોર્ડની રચના પૂર્વે જ કોંગ્રેસે પોતાના ચૂંટાયેલા 12 સભ્યોને ગુપ્ત સ્થળે એટલે કે અજ્ઞાતવાસમાં મોકલી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ડભોઇ નગરપાલિકાની કુલ 36 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે શાનદાર પ્રદર્શન કરી 21 બેઠકો પર વિજય મેળવ્યો અને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. નિયમ મુજબ નગરપાલિકામાં કોંગ્રેસના જ પ્રમુખ અને ઉપપ્રમુખ બને તે નિશ્ચિત છે, છતાં સત્તાવાર બોર્ડની રચના થાય તે પહેલાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાવધ બની ગયું છે. ચૂંટાયેલા 21 માંથી 12 જેટલા સભ્યોને અચાનક જ કોઈ અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, વિરોધ પક્ષ દ્વારા કોંગ્રેસના સભ્યોને લોભ અને લાલચ આપીને ફોડવાની કે ક્રોસ વોટિંગ કરાવવાની શક્યતા રહેલી છે. પક્ષપલટો અટકાવવા અને પોતાની બહુમતી જાળવી રાખવાના હેતુથી કોંગ્રેસે આ 'સેફ પેસેજ' વ્યૂહરચના અપનાવી છે. બોર્ડની રચનાના દિવસે જ આ સભ્યો સીધા પાલિકા કચેરીએ હાજર થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
એક તરફ કોંગ્રેસ પોતાના આ પગલાને 'સભ્યોની સુરક્ષા' અને પક્ષની 'શિસ્ત' ગણાવી રહી છે. તો બીજી તરફ વિરોધ પક્ષ ભાજપ આ ઘટનાને કોંગ્રેસનો આંતરિક ડર અને અવિશ્વાસ ગણાવી રહ્યો છે. લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ રીતે નજરકેદ સમાન અજ્ઞાતવાસમાં રાખવા પડે તે બાબત ડભોઇના મતદારોમાં પણ ભારે ચર્ચાનો વિષય બની છે.
હવે સૌની નજર એ વાત પર રહેશે કે બોર્ડની રચનાના દિવસે આ 12 સભ્યો પરત આવીને પક્ષના આદેશ અનુસાર મતદાન કરે છે કે કેમ. હાલમાં તો ડભોઇનું સ્થાનિક રાજકારણ પાલિકા ભવનના બદલે ગુપ્ત રિઝોર્ટ્સ અને અજ્ઞાત સ્થળોએથી જ ચાલી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
