<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ઇંધણના ભાવમાં વધારો છતાં એસટી નિગમે મુસાફરોને આપી રાહત : વોલ્વો બસ ભાડા ઘટાડ્યા :જાણો કયા રૂટને ફાયદો?

ST નિગમ દ્વારા અમુક પ્રીમિયમ વોલ્વો બસોના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો અને સાથે જ મુસાફરીના સમયમાં પણ મોટો કાપ મૂક્યો

અમદાવાદ :મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ગત શુક્રવારે પેટ્રોલ-ડીઝલ અને CNG ના ભાવમાં વધારો થયો છે. જોકે, આ મોંઘવારી વચ્ચે ગુજરાત એસ.ટી (GSRTC) નિગમે મુસાફરો માટે રાહતનો નિર્ણય લીધો છે. ST નિગમ દ્વારા અમુક પ્રીમિયમ વોલ્વો બસોના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે, અને સાથે જ મુસાફરીના સમયમાં પણ મોટો કાપ મૂક્યો છે.

 

ગુજરાત ST નિગમે મુખ્યત્વે અમદાવાદથી સુરત જતી વોલ્વો બસ અને અમદાવાદથી ભાવનગર જતી વોલ્વો બસના ભાડામાં રાહત આપી છે.

  • અમદાવાદ-સુરત વોલ્વો બસ: અમદાવાદથી સુરત જતી વોલ્વો બસનું ભાડું અગાઉ 748 રૂપિયા હતું, જે ઘટાડીને હવે 687 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આનાથી સુરત જનારા મુસાફરોને ટિકિટ દીઠ 61 રૂપિયાનો સીધો ફાયદો થશે.
  • અમદાવાદ-ભાવનગર વોલ્વો બસ: આ ઉપરાંત, અમદાવાદથી ભાવનગર રૂટની વોલ્વો બસના ભાડામાં પણ 15 રૂપિયાનો ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે.

 

ભાડામાં ઘટાડાની સાથે ગુજરાત ST નિગમે દિલ્હી-મુંબઈ અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે પર પ્રીમિયમ વોલ્વો બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. એક્સપ્રેસ-વેના ઉપયોગથી સુરત અને ભાવનગર રૂટ પર મુસાફરીનો સમય 60 થી 90 મિનિટ જેટલો ઘટી જશે. અમદાવાદ-સુરત રૂટ પર દરરોજ સરેરાશ 12 હજારથી વધુ પેસેન્જર્સ મુસાફરી કરે છે, જેમને આ નિર્ણયનો સીધો લાભ મળશે.

 

અત્યાર સુધી અમદાવાદથી સુરત જતા મુસાફરોનો ઘણો સમય ભરૂચ-અંકલેશ્વરના ટ્રાફિકને કારણે બગડતો હતો. પરંતુ હવે એક્સપ્રેસ-વેનો ઉપયોગ કરવાથી 6 કલાકની મુસાફરી માત્ર ચારથી સાડા ચાર કલાકમાં પૂરી થઈ જશે.

તેવી જ રીતે, અમદાવાદથી ભાવનગર જતા મુસાફરોને બાવળા-ધંધુકા હાઇવે પર ટ્રાફિક નડતો હતો. હવે નવી બસો એક્સપ્રેસ રૂટ પરથી દોડતા ટ્રાફિકમાંથી મુક્તિ મળશે અને મુસાફરીનો સમય લગભગ 1 કલાક જેટલો ઘટી જશે. આમ, ગુજરાત એસ.ટી. નિગમે મુસાફરોને ઓછા ભાડા અને ઝડપી મુસાફરીની એમ બંને રીતે મોટી ભેટ આપી છે.

(1:28 PM IST)