<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

દેવ દિવાળી, ત્રિપુરારી પૂનમ અને ડાકોરના રણછોડરાયજી : સાથે જોડાયેલી પૌરાણિક પરંપરાનું વિશેષ મહત્ત્વ

કારતક સુદ પૂનમ આજે શ્રદ્ધા, ભક્‍તિ અને આસ્‍થાના મહાપર્વની ઉજવણી

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ કારતક માસ ની સુદ પૂનમ હિન્‍દુ ધર્મ માં અત્‍યંત પવિત્ર અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી તિથિ છે , આ દિવસ ને દેવ દિવાળી, ત્રિપુરારી પૂનમ અને કારતક પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. દેશભર માં આ પર્વ શ્રદ્ધા, ભક્‍તિ, દીપદાન, પૂજા-અર્ચના અને ધાર્મિક ઉત્‍સાહ સાથે ઉજવવામાં આવે છે.

આ પવિત્ર દિવસે ભગવાન વિષ્‍ણુ, ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્‍ણ ની આરાધના નું વિશેષ મહત્ત્વ છે,  ગુજરાત માં ખાસ કરી ને ડાકોર ના શ્રી રણછોડરાયજી મંદિર સાથે જોડાયેલી બોડાણા ભગત ની ભક્‍તિ ની કથા આ દિવસ ને વિશેષ ધાર્મિક ઓળખ આપે છે.

આ પર્વ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતું મર્યાદિત નથી, પરંતુ ભારતીય સંસ્‍કૃતિ માં શ્રદ્ધા, સમર્પણ, સદાચાર અને પ્રકાશના પ્રતીક તરીકે પણ તેનું વિશેષ સ્‍થાન છે.

દિવાળી ના પંદર દિવસ બાદ આવતી કારતક સુદ પૂનમ ને દેવ દિવાળી તરીકે ઉજવવા માં આવે છે , ધાર્મિક માન્‍યતા અનુસાર આ દિવસે દેવતા ઓ પૃથ્‍વી પર ઉતરી ને ભગવાન શિવના વિજયની ખુશીમાં દીપોત્‍સવ ઉજવે છે.

ખાસ કરી ને ઉત્તર પ્રદેશ ના વારાણસી માં દેવ દિવાળી નો ઉત્‍સવ ખૂબ જ ભવ્‍ય રીતે ઉજવાય છે ,  ગંગા નદી ના ઘાટો હજારો અને લાખો દીવાઓ થી ઝળહળી ઊઠે છે,  ગંગા આરતી, દીપદાન અને ધાર્મિક કાર્યક્રમો આ ઉત્‍સવ નું મુખ્‍ય આકર્ષણ હોય છે.

કારતક પૂનમ સાથે જોડાયેલી સૌથી મહત્ત્વપૂર્ણ પૌરાણિક કથા ત્રિપુરાસુર ના વધ ની છે. પૌરાણિક માન્‍યતા અનુસાર ત્રિપુરાસુર નામના અસુરે કઠોર તપસ્‍યા કરીને વિશેષ શક્‍તિ ઓ પ્રાપ્ત કરી હતી , તેને ત્રણ નગરો પ્રાપ્ત થયાં હતાં, જેના કારણે તે ત્રિલોક માં આતંક ફેલાવવા લાગ્‍યો હતો.

ત્રિપુરાસુર ના અત્‍યાચારો થી દેવતા ઓ અને ઋષિમુનિ ઓ પરેશાન થઈ ગયા હતા , અંતે તમામ દેવતાઓ એ ભગવાન શિવ ને પ્રાર્થના કરી હતી, ભગવાન શિવે દેવતાઓની વિનંતી સ્‍વીકારીને ત્રિપુરાસુર નો વધ કર્યો અને ત્રણેય નગરો નો નાશ કર્યો , આ વિજય ના કારણે ભગવાન શિવ ને ત્રિપુરારી નામથી ઓળખવામાં આવે છે.

આથી કારતક સુદ પૂનમને ત્રિપુરારી પૂનમ પણ કહેવામાં આવે છે,  આ દિવસ અનિષ્ટ પર સત્‍ય અને ધર્મના વિજય નું પ્રતીક માનવામાં આવે છે.

કારતક પૂનમ નું મહત્ત્વ ભગવાન વિષ્‍ણુ સાથે પણ જોડાયેલું છે. ધાર્મિક માન્‍યતા અનુસાર ભગવાન વિષ્‍ણુ એ મત્‍સ્‍ય અવતાર ધારણ કરી ને સૃષ્ટિ અને વેદોનું રક્ષણ કર્યું હતું, કેટલીક વૈષ્‍ણવ પરંપરાઓ માં કારતક પૂનમને ભગવાન વિષ્‍ણુ ના મત્‍સ્‍ય અવતારની સ્‍મૃતિ સાથે પણ જોડવામાં આવે છે.

આ દિવસે ભગવાન વિષ્‍ણુની પૂજા, વિષ્‍ણુ સહસ્‍ત્રા નામ નો પાઠ, સત્‍યનારાયણ ભગવાનની કથા અને દાન-પુણ્‍ય કરવાનું વિશેષ મહત્ત્વ છે.

ગુજરાત માટે કારતક પૂનમ નું એક વિશેષ આકર્ષણ એટલે ખેડા જિલ્‍લા ના ડાકોર માં આવેલા ભગવાન શ્રી રણછોડરાયજી નું મંદિર. ડાકોરનું ધાર્મિક મહત્ત્વ બોડાણા ભગતની અતૂટ ભક્‍તિ સાથે જોડાયેલું છે.

લોકમાન્‍યતા અનુસાર બોડાણા ભગત ભગવાન શ્રીકૃષ્‍ણ ના અનન્‍ય ભક્‍ત હતા, તેઓ દર છ મહિને તુલસી લઈને દ્વારકાધીશ નાં દર્શન કરવા જતા હતા,  વૃદ્ધાવસ્‍થા માં પણ તેમની ભક્‍તિ ઓછી થઈ નહોતી, ભગવાન શ્રીકૃષ્‍ણ તેમની ભક્‍તિ થી પ્રસન્ન થયા અને તેમને ડાકોરમાં દર્શન આપવાનું વચન આપ્‍યું.

કહેવાય છે કે એક વખત બોડાણા ભગત બળદગાડું લઈને દ્વારકા પહોંચ્‍યા હતા. ભગવાન શ્રીકૃષ્‍ણ તેમની સાથે બળદગાડામાં બેસીને ડાકોર આવવા નીકળ્‍યા હતા.

આ રીતે દ્વારકાધીશ ભગવાન ડાકોરમાં બિરાજમાન થયા અને ભક્‍તોના હૃદયમાં રણછોડરાયજી તરીકે પૂજાવા લાગ્‍યા.

(2:52 PM IST)