<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ઉત્તરપ્રદેશમાં વરસાદી તારાજીમાં ૧૦૦ લોકોના કરુણ મોતથી વ્યથિત પૂ. મોરારિબાપુ દ્વારા ૧૫ લાખની સહાય જાહેર : મુખ્યમંત્રી રાહત ફંડમાં રાશી અર્પણ કરાશે

પ્રયાગરાજ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં કુદરતી આપદાનો ભોગ બનનારા મૃતકોના વારસદારોને ચિત્રકુટ ધામ તલગાજરડા તરફથી ૧૫ હજાર લેખે સહાય સંવેદના અર્પણ : પૂ. રામકથાકાર દ્વારા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

ઈશ્વરિયા : ઉત્તરપ્રદેશમાં છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદને કારણે સર્જાયેલી કુદરતી હોનારતમાં અનેક પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. પ્રયાગરાજ ક્ષેત્ર સહિત સમગ્ર ઉત્તરપ્રદેશમાં થયેલી આ વરસાદી તારાજીમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૦૦ વ્યક્તિઓનાં મરણ નીપજ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ ભયાનક પ્રાકૃતિક આપદાથી પ્રભાવિત થયેલા લોકોની વહારે રામકથાકાર પૂ. મોરારિબાપુ આવ્યા છે અને તેમણે ચિત્રકુટ ધામ તલગાજરડા તરફથી ૧૫ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

 

મળતી વિગતો અનુસાર, પ્રયાગરાજ, ફતેપુર, ઉન્નાવ, બદાયું અને બરેલી સહિતના વિસ્તારોમાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે. આ કુદરતી આફતમાં મૃત્યુ પામેલા ૧૦૦ જેટલા લોકો પ્રત્યે પૂ. મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. દુર્ઘટનાનો ભોગ બનનાર પ્રત્યેક મૃતકના વારસદાર પરિવારને ૧૫ હજાર રૂપિયા લેખે કુલ ૧૫ લાખ રૂપિયાની સહાય ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા અર્પણ કરવામાં આવશે.

 

આ સહાયની રકમ ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં જમા કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ દેશમાં આવી કોઈ મોટી પ્રાકૃતિક આપદા સર્જાય છે ત્યારે તલગાજરડા સ્થિત ચિત્રકુટ ધામ દ્વારા માનવતાના ધોરણે મદદનો હાથ લંબાવવામાં આવે છે. આ વખતે પણ ઉત્તરપ્રદેશની આ તારાજીમાં હોમાયેલા નિર્દોષ નાગરિકોના પરિવારોને આર્થિક ટેકો આપવા માટે પૂ. મોરારિબાપુ દ્વારા આ સહાય સંવેદના જાહેર કરવામાં આવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(7:05 PM IST)