<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

વડોદરામાં નવરાત્રી પૂર્વે યુનાઇટેડ વે ગ્રાઉન્ડ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ ગરબા’ની ભવ્ય રમઝટ : ૬૦ હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

સ્વચ્છ ભારત, નારી શક્તિ, વિકસિત ભારત અને વડ જેવી ચાર વિશેષ થીમ આધારિત ગરબા રમી વડોદરાવાસીઓએ ‘વિકસિત વડોદરાથી વિકસિત ગુજરાત’ માટે સંકલ્પબદ્ધતા દાખવી

વડોદરા: ઓક્ટોબર ૨૦૨૬ની નવરાત્રી શરૂ થવાને ગણતરીના ચાર દિવસ બાકી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને યુનાઈટેડના સંયુક્ત ઉપક્રમે યુનાઈટેડ વેના ગરબા ગ્રાઉન્ડ ખાતે 'વિકસિત ભારત સંકલ્પ ગરબા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબા મહોત્સવમાં અંદાજિત ૬૦ હજારથી વધુ ગરબારસિકોએ એક સાથે ગરબે ઘૂમીને ‘વિકસિત વડોદરાથી વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા દાખવી હતી.

આ ગરબા સંધ્યાના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સંસ્કારી નગરી અને કલાનગરી વડોદરાની ઓળખના પ્રતીક સમાન 'વડ'નું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જગતજનની મા અંબેની ભાવભરી આરતીથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સ્વચ્છ ભારત, નારી શક્તિ, વિકસિત ભારત અને વડ એમ ચાર મુખ્ય થીમ આધારિત ખાસ ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ ગ્રૂપો દ્વારા હાથમાં બેનર અને પ્લે કાર્ડ સાથે ગરબા રજૂ કરીને સમાજને વિશેષ સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન વડોદરાવાસીઓએ સામૂહિક રીતે 'સ્વચ્છ વડોદરા'નો સંકલ્પ લઈને 'સ્વચ્છતા સે સ્વાગત' અભિયાનના સ્વયંસેવક તરીકે જોડાવા તેમજ પ્રતિદિન નગરને સુંદર અને સ્વચ્છ બનાવવામાં પોતાનું સમર્પિત યોગદાન આપવાના શપથ લીધા હતા. ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સમર્પિત આ મહોત્સવમાં ૨૦૪૭ સુધીમાં દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે નાગરિક તરીકે પોતાની જવાબદારી નિભાવવાની ભાવના વ્યક્ત કરાઈ હતી.

આ ભવ્ય ગરબા મહોત્સવમાં યુવા વર્ગના લોકપ્રિય ગરબા ગાયક અને પ્રસિદ્ધ લોક કલાકાર અતુલ પુરોહિતે પોતાની ઉત્કૃષ્ઠ ગાયકીથી વાતાવરણને ભક્તિમય અને ઉત્સાહસભર બનાવી દીધું હતું.

આ અવસરે ધારાસભ્ય કેયુર રોકડિયા, વડોદરા મહાનગરપાલિકા કમિશ્નર મહેશ અરુણ બાબુ, પૂર્વ મંત્રી જીતુભાઈ સુખડિયા સહિત વિવિધ સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, કલા, સંસ્કૃતિ અને વારસા માટે જાણીતું વડોદરા વિશ્વમાં ગરબાની રાજધાની તરીકેની ઓળખ ધરાવે છે. યુનાઈટેડ વેના મેદાન પર યોજાતા આ વિશ્વના સૌથી મોટા ગરબા મહોત્સવમાં રમવાનું સપનું માત્ર વડોદરા જ નહીં પરંતુ દેશ-વિદેશમાં વસતા દરેક ગુજરાતીનું હોય છે, ત્યારે નવરાત્રી પહેલાં આયોજિત આ કાર્યક્રમે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ પૂરો પાડ્યો હતો.

(10:59 PM IST)