<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

નવસારી જિલ્લાના ચિખલી ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિકાસ સંકલ્પ સભા યોજાઈ

“કોંગ્રેસે મહિલા અનામત બિલમાં રોડા નાખ્યા, દેશની મહિલાઓ કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે”: જગદીશભાઈ વિશ્વકર્મા : આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે ભાજપા સરકાર કટિબદ્ધ હોવાનો દાવો

ચિખલી, તા.૧૮: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ચિખલી ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી. આ સભાને સંબોધતા શ્રી વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

 

તેમણે જણાવ્યું કે દેશની 140 કરોડ જનતાએ ત્રણ-ત્રણ વખત પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીને પસંદ કરીને દેશના વિકાસના માર્ગને મજબૂત બનાવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની વિકાસયાત્રાને અવિરત આગળ ધપાવી રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે વિકાસની કેડી કંડારેલી, તેના ફળસ્વરૂપ આજે સમગ્ર દેશમાં વિકાસની સુવાસ પ્રસરી છે.

 

મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ NDA દ્વારા સંસદમાં નારી વંદન અધિનિયમ લાવવામાં આવ્યો, પરંતુ કોંગ્રેસ સહિત વિપક્ષે તેમાં રોડા નાખ્યા. દેશની મહિલાઓ કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાસે મહિલાઓના સન્માન અને ક્ષમતાની કોઈ સમજ નથી. આજે દેશની દીકરીઓ અંતરિક્ષથી લઈને રમતગમત, સ્ટાર્ટઅપ અને વિવિધ ક્ષેત્રોમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે, છતાં કોંગ્રેસે બિલ અટકાવી તેમને આગળ વધવામાં અવરોધ ઊભા કર્યા છે.

 

શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મહિલાઓને 50% અનામત આપી જાહેર જીવનમાં સમાન ભાગીદારીનો અવસર આપ્યો છે. ડ્રોન દીદી, લખપતી દીદી, ઉજ્જવલા યોજના જેવી યોજનાઓએ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવી છે.

 

આદિવાસી સમાજ અંગે બોલતા તેમણે કહ્યું કે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના ભાઈ-બહેનો અને દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ, આરોગ્ય સુવિધા અને સર્વાંગી વિકાસ માટે ભાજપા સરકાર કટિબદ્ધ છે. ભગવાન બિરસા મુંડાના સન્માન માટે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા વિસ્તારનો સર્વાંગી વિકાસ કરાયો છે. આદિવાસી દીકરીને દેશના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ તરીકે સ્થાપિત કરવાનું ઐતિહાસિક કાર્ય શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે.

 

તેમણે ઉમેર્યું કે ભાજપા સરકારે દરેક ઘરમાં પાકા મકાન, “નલ સે જળ” યોજના દ્વારા પીવાનું પાણી, 24 કલાક વીજળી, શૌચાલય નિર્માણ અને ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી પૂરી પાડી છે. નવસારી જિલ્લામાં 254 ઉમેદવારોમાંથી 58 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે અને સમગ્ર ગુજરાતમાં 700થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા છે.

 

અંતમાં તેમણે મતદાતાઓને કમળના નિશાનને મત આપીને વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રીઓ કનુભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રી ડો.પ્રશાંતભાઇ કોરાટ, જિલ્લા પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ સહિત સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:50 PM IST)