તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
ડાકોરમાં 'ભક્તિ' મોંઘી થતા ભક્તોમાં રોષ: ધજા, અભિષેક, તુલસી વિવાહના ભાવ 50% સુધી વધ્યા, આજે મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય
યાત્રાધામ રણછોડરાયજી મંદિરમાં પૂજા-સેવાના ભાવવધારા સામે સેવા સમિતિ અને ભક્તોનો ઉગ્ર વિરોધ; સોશિયલ મીડિયા પર ડાકોરમાં મોંઘીભક્તિ ટ્રેન્ડ : પ્રશાસન ઝૂક્યું

ડાકોર, ખેડા તા. 15 : પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પૂજા-સેવાના ભાવમાં ધરખમ વધારો કરાતા ભક્તોમાં ભારે નારાજગી ફેલાઈ છે. મંદિર પ્રશાસન દ્વારા ધજાથી માંડીને તુલસી વિવાહ સુધીની તમામ સેવા-પૂજાના ભાવમાં 30% થી 50% સુધીનો વધારો ઝીંકી દેવાતા સામાન્ય અને મધ્યમવર્ગીય ભક્તો માટે ભગવાનની સેવા કરવી મોંઘી બની ગઈ છે. ભક્તો અને ડાકોર સેવા સમિતિના ભારે વિરોધ બાદ મંદિર પ્રશાસન ઝૂક્યું છે અને આજે ટ્રસ્ટી મંડળની તાત્કાલિક બેઠક બોલાવી છે, જેમાં ભાવવધારા અંગે અંતિમ ફેંસલો લેવાશે.
મંદિર પ્રશાસને તાજેતરમાં કરેલા ભાવવધારા મુજબ રૂ. 500ની ધજાનો ભાવ વધારીને રૂ. 750, રૂ. 1100નો અભિષેક રૂ. 1600 અને તુલસી વિવાહનો ખર્ચ રૂ. 11,000 થી વધારીને સીધો રૂ. 16,000 કરી દેવાયો હતો. મહાભોગ અને પ્રસાદના ભાવમાં પણ નોંધપાત્ર વધારો કરાયો છે. અચાનક કરાયેલા આ વધારાથી ભક્તોમાં "ભક્તિ પણ મોંઘી થઈ ગઈ" હોવાની લાગણી જોવા મળી રહી છે. ડાકોર સેવા સમિતિ અને સ્થાનિક આગેવાનોએ મંદિર પ્રશાસનને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી અને જૂના ભાવ યથાવત રાખવા માંગ કરી હતી. સોશિયલ મીડિયા પર પણ #ડાકોર_માં_મોંઘી_ભક્તિ હેશટેગ સાથે ભક્તોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ભારે વિરોધના પગલે આજે મળનારી મેનેજમેન્ટની બેઠકમાં ભાવવધારો સંપૂર્ણપણે પાછો ખેંચવા અથવા ઘટાડવા અંગે નિર્ણય લેવાય તેવી પ્રબળ શક્યતા છે. દર વર્ષે લાખો ભક્તો જે ડાકોર ધામે દર્શનાર્થે આવે છે તેમની લાગણી દુભાતા પ્રશાસને નમતું જોખવું પડ્યું છે. હવે સૌની નજર આજની બેઠકના નિર્ણય પર મંડાયેલી છે કે ભક્તોની આસ્થા સામે પ્રશાસન શું વલણ અપનાવે છે.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
