તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
રાજપીપળા હરિસિદ્ધિ મંદિર અને બળિયાદેવ મંદિરમાં ચોરીની ઘટના બનતા ભક્તોમાં ભારે રોષ
સીસીટીવીમા એક યુવાન દાનપેટીમાંથી રૂપિયા કાઢતો સ્પષ્ટ જણાતા પોલીસે તપાસ હાથ ધરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા શહેરના સુપ્રસિદ્ધ અને પ્રાચીન શ્રી હરિસિદ્ધિ માતાજી મંદિરમાં દાન પેટીઓને નિશાન બનાવી ચોરીની ઘટના સામે આવતા પોલીસ પર ઉઠ્યા સવાલ
પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે મોડી રાત્રે એક અજાણ્યો ઈસમ મંદિર પરિસરમાં ગેરકાયદેસર પ્રવેશ્યો હતો અને દાન પેટીઓ માંથી રોકડ રકમની ચોરી કરી હતી. સમગ્ર ઘટના મંદિરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
CCTV ફૂટેજમાં આરોપી ચોર દાન પેટીઓમાં હાથ નાખી તેમાં રહેલી રકમ કાઢતો સ્પષ્ટપણે જોવા મળે છે. ત્યારબાદ તે મંદિરની પૂર્વ દિશામાં આવેલા હંગામી પતરા તરફથી બહાર નીકળતો પણ કેમેરામાં કેદ થયો છે.
સવારે મંદિરના મેનેજમેન્ટને ઘટનાની જાણ થતાં તાત્કાલિક રાજપીપળા પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરી CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.
આ અંગે મળેલી વધુ જાણકારી મુજબ હરસિદ્ધ મંદિરની પાછળના ભાગે આવેલા બળીયાદેવના મંદિરની પેટી પણ તૂટેલી જોવા મળી છે. આમ બે મંદિરો માં ચોરી થઈ છે.
પોલીસે હાલમાં CCTVમાં દેખાતા શખ્સની ઓળખ કરી તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને લઈને મંદિરના મેનેજમેન્ટ દ્વારા પણ દુઃખ અને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તેમજ દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
ત્યારે આ પ્રાચીન અને સુપ્રસિદ્ધ મંદિરમાં રોજે રોજ સેંકડો શ્રદ્ધાળુ આવતા હોય છે ત્યારે આ મંદિરના ઐતિહાસિક મહત્વને જોતા આ મંદિરમાં ચોર ઈસમો અને અન્ય અસામાજિક તત્વોનો પ્રવેશ રોકવા માટે કેટલાક ભક્તોએ માંગ કરી છે.અને હાલની જે મેનેજમેન્ટ કમિટી છે તે સંતોષકારક કામગીરી કરી રહી નથી જેથી આ કમિટીને આ મંદિર સરકાર હસ્તક આપી દેવું જોઈએ અને રાજપીપળા રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ને એના પ્રમુખ બનાવી દેવામાં આવે તેવી એક સદસ્ય માંગ કરી છે
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
